ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદ બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીંતી સેવી રહ્યા હતા. ત્યારે રાજ્યમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતો ખુશ ખુશ.
ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ૪ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. ઓગસ્ટ મહિનો આખો કોરો ગયા બાદ હવે સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાએ દિલ ખોલીને વરસવાનું મન બનાવી લીધું છે. ગઈકાલથી ગુજરાતનું વાતાવરણ પલટાયું છે, ગઈકાલથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાર વરસી રહ્યો છે. મેઘરાજાનું ફરી આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદ બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીંતી સેવી રહ્યા હતા. ત્યારે ફરી મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતોના પાકોને નવું જીવનદાન મળ્યું છે. વરસાદની વાપસી થતા ખેડૂતોમાં નવી આશા જીવંત થઇ છે.
રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કર્યું છે. ગઈકાલ રાતથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં મેઘો મુશળધાર થયા છે. મોડાસા અને ભિલોડામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ૧૨ કલાકમાં ધનસુરા અને બાયડમાં ૬ ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં એક રાતમાં ૧૦ % જેટલો વરસાદ વરસ્યો છે.
નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તિલકવાડા, નાંદોદ, રાજપીપળામાંથી ૮૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નર્મદા ડેમથી ૧૦ કિલોમીટર દૂર ગરુડેશ્વર મેઈન હાઇવે પર પાણી ભરાયા છે. નર્મદા નદીમાં પાણી છોડાતા હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. પોલીસ દ્વારા હાઇવે પર આવતા વાહનોને રોકવામાં આવી રહ્યા છે.