આજે લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા થઈ રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી બિલ પર ગૃહમાં સંબોધન કરી રહ્યા છે. આ પહેલા ગઈકાલે કેન્દ્રિય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં મહિલાઓ માટે વિધાનસભા- લોકસભામાં ૩૩ % અનામત રાખવાની માગ કરવામાં આવી છે. આ પહેલા કેન્દ્રિય કેબિનેટે સોમવારે મહિલા અનામત બિલને મંજૂરી આપી હતી.
ગઈકાલે સંસદ નવા ભવનમાં શિફ્ટ થઈ હતી અને નવા સંસદભવનમાં પ્રથમ સત્ર ચાલી રહ્યું છે જેમાં પ્રથમ દિવસે જ હોબાળો થયો હતો. ગઈકાલે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યુ હતું. આ બિલને નારી શક્તિ વંદન એક્ટ નામ આપવામાં આવ્યું છે. આ બિલને લઈને હોબાળો થતા બંને ગૃહોની કાર્યવાહી આજ સવાર ૧૧:૦૦ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આજે લોકસભામાં આ બિલ પર ચર્ચા થઈ રહી છે, જેમાં કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધી ગૃહને સંબોધન કરી રહ્યા છે. લોકસભામાં સંબોધન કરતા સોનિયા ગાંધીએ કહ્યું છે કે હું મહિલા અનામત બિલના સમર્થનમાં છું.