ભારત-કેનેડાના બગડેલા સંબંધો પર ભારતીય વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ

ભારત-કેનેડાના બગડેલા સંબંધો પર ભારતીય વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વની માહિતી શેર કરી છે.

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ગંભીર આરોપ લગાવ્યા બાદ બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને ભારતે અત્યાર સુધી ૩ મોટી કાર્યવાહી કરી છે.

બંને દેશો વચ્ચે બગડતા સંબંધો વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જે દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે કેનેડાની ધરતી પર આતંકવાદી ગતિવિધિઓ વિશે તેમની સાથે ખૂબ જ ચોક્કસ માહિતી શેર કરી છે. પરંતુ કેનેડાએ ભારત સાથે કોઈ ચોક્કસ માહિતી શેર કરી નથી. કેનેડા આતંકી ગતિવિધિઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે. તેણે તેની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વિશે વિચારવાની જરૂર છે.  કેનેડાની વિઝા સેવા આગામી આદેશ સુધી સ્થગિત રહેશે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે કેનેડાની સરકારના તમામ આરોપો રાજકીય છે. ભારત સાથે કોઈ ખાસ જાણકારી શેર કરવામાં આવી નથી. અમે આ બાબતે ચોક્કસ માહિતીથી વાકેફ રહેવા માંગીએ છીએ.સૌથી મોટો મુદ્દો કેનેડા અને પાકિસ્તાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા અને સમર્થિત આતંકવાદનો છે.

કેનેડામાં વિઝા સેવાઓ બંધ કરવાના નિર્ણય અંગે અરિંદમ બાગચીએ કહ્યું, “તમે બધા કેનેડામાં અમારા હાઈ કમિશન અને કોન્સ્યુલેટને થતા જોખમો અને સુરક્ષાના જોખમોથી વાકેફ છો. આ કારણે તેમના કામમાં અવરોધ ઊભો થયો છે. તેથી, આપણું હાઈ કમિશન અને કોન્સ્યુલેટ કામચલાઉ ધોરણે કામ કરવામાં અસમર્થ છે. અમે નિયમિત ધોરણે તેની સમીક્ષા કરીશું.

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની જુનમાં થયેલી હત્યા મામલે ભારત અને કેનેડાના સંબંધો ખૂબ બગડ્યાં છે. કેનેડાના પીએમ જસ્ટીન ટ્રૂડોએ ભારત પર ગંભીર આરોપ લગાવીને આ વિવાદની શરુઆત કરી હતી. ટ્રૂડોએ કેનેડાની સંસદમાં કહ્યું હતું કે અમને અમારી ગુપ્તચર એજન્સીઓએ ઈનપુટ આપ્યાં છે કે હરદીપ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. કદાચ પહેલી વાર કોઈ દેશે સીધી રીતે ભારત પર હત્યાનો આવો ગંભીર આરોપ લગાવ્યો. તેમણે કહ્યું હતું કે અમારી જમીન પર અમારા નાગરિકની હત્યામાં કોઈ વિદેશી સરકારની સંડોવણી સાંખી નહીં લઈએ. બસ ટ્રૂડોના આવા આરોપ બાદ બન્ને વચ્ચે સંબંધો ખરાબ થવા લાગ્યાં.

ભારતે નિજ્જરની હત્યામાં સંડોવણીનો ટ્રૂડોનો આરોપ ફગાવી દીધો છે. એટલું જ નહીં પરંતુ હવે ભારતે કેનેડાના ટોચના રાજદૂતને ૫ દિવસની અંદર દેશ છોડવાનો આદેશ આપી દીધો છે.

ભારત સરકારે આ મામલે ઉગ્ર વલણ અપનાવતા જસ્ટીન ટ્રૂડો ઠંડા પડ્યાં છે અને હવે તેમનું નિવેદન આવ્યું છે. ટ્રૂડોએ મંગળવારે કહ્યું કે નિજ્જરની હત્યા મામલે અમે ભારતની ઉશ્કેરણી કરવા નથી માગતા પરંતુ ભારત સરકારે આ મુદ્દાનો યોગ્ય રીતે નિકાલ લાવવો જોઈએ. ભારત સરકારે આ મામલાને ગંભીરતાથી લેવો જોઈએ. અમે તેમની ઉશ્કેરણી કરવાનું કામ નથી કરી રહ્યાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *