નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ

બસ એક નિર્ણય અને ભાંગી જશે કેનેડાની આર્થિક કમર, ભારતના હાથમાં છે કનેડાની દૂખતી નસ.

ભારત-કેનેડા વચ્ચે ઉભા થયેલો ગજગ્રાહ નવી ચરમસીમાએ પહોંચ્યો છે. ખાલિસ્તાની નેતાની હત્યાનો આરોપ ભારત સરકાર પર લગાવ્યા બાદ કેનેડા સાથેના ભારતના સંબંધો વણસી રહ્યાં છે. ખાલિસ્તાનને સમર્થન આપવા બદલ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની ભારે ટીકા થઈ રહી છે. આ વચ્ચે કેનેડામાં અભ્યાસ કરવા ગયેલા ભારતીય વિદ્યાર્થી અને તેમના માતા-પિતામાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આ બધી બાબતોની વચ્ચે ભારતના હાથમાં કેનેડાની એ દૂખતી નસ છે, જેના પર ઈજા તેના માટે મોટી સમસ્યાઓ ઊભી કરી દેશે. કેનેડાની ઈકોનોમી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર નિર્ભર છે, આ કેનેડાની સૌથી મોટી નબળાઈ છે. આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં પણ સૌથી મોટી સંખ્યા ભારતીય વિદ્યાર્થીઓની છે, જેઓ ત્યાંની ખાનગી યુનિવર્સિટીઓને તગડી ફી ચૂકવીને મોટી આર્થિક મદદ કરી રહ્યા છે.

ભારતને પણ ખ્યાલ છે કે તે કેનેડાના મામલામાં મજબૂત મોટા પગલાં ભરવાની સ્થિતિમાં છે. જો ભારત આ મામલે નિર્ણય લેશે તો કેનેડાના શ્વાસ અધ્ધર થઈ જશે. જો બંને દેશો વચ્ચેના સંબંધો વધારે ખરાબ થશે તો ભારત વિદ્યાર્થીઓના કેનેડા જવા પર પ્રતિબંધ લગાવી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો આવું થાય તો કેનેડાની એવી ખાનગી યુનિવર્સિટીઓ કે જેમને સરકાર તરફથી મદદ નથી, તેના પાટીયા પડી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દર વર્ષે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેનેડિયન અર્થતંત્રમાં ૩૦ બિલિયન ડોલરનું યોગદાન આપે છે. જો ભારત પોતાના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ લાદશે તો આ સેક્ટર માટે આ એક મોટો ફટકો હશે. એટલું જ નહીં અહીં વિવિધ વિસ્તારોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ રૂમના ભાડાના રૂપમાં ઘણું યોગદાન આપે છે.

કેનેડાના ઓડિટર-જનરલ બોની લિસિક પૈસાના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર નિર્ભરતાના જોખમોને ગણાવી ચૂક્યા છે. ૨૦૨૧ ના રિપોર્ટમાં તેમણે કહ્યું કે, આ સરકારના નિયંત્રણની બહાર છે. રિપોર્ટમાં જણાવાયું છે કે જો કેટલાક દેશોના વિદ્યાર્થીઓ કેનેડામાં પ્રવેશવામાં અસમર્થ થાય છે તો આવકમાં અચાનક અને મોટા પાયે નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં કલ્પના કરી શકાય છે કે જે દેશમાં ૪૦ % વિદ્યાર્થીઓ છે તે તેના વિદ્યાર્થીઓને રોકે તો શું થશે. કેનેડા સરકારના આંકડા અનુસાર 2022માં કેનેડામાં ૫.૫ લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી ૨.૨૬ લાખ ભારતના હતા. અને ૩.૨ લાખ ભારતીયો કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર રહેતા હતા અને તેની અર્થવ્યવસ્થાને મદદ કરી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *