વલસાડના રેલવે વિભાગે સાયરન વગાડીને આગની જાણકારી આપી અને મુસાફરોને સુરક્ષિત ઉતારી લેવાયા
ગુજરાતમાં ટ્રેનમાં આગ લાગવાની સતત બીજી ઘટના પ્રકાશમાં આવી છે. ( હમસફર એક્સપ્રેસ ટ્રેન )વલસાડથી સુરત જતી ટ્રેનમાં આગ લાગતાં મુસાફરોમાં અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગવાની ઘટના બનતાં જ મુસાફરોને સુરક્ષિત બહાર મોકલી દેવામાં આવ્યા હતાં. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ અંગેની જાણકારી આપી હતી. આગ કયા કારણે લાગી તેનું કારણ હજી અકબંધ છે.
વલસાડથી સુરત જતી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની છે. વલસાડના છીપાવાડ વિસ્તાર નજીક આગની ઘટના બનતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. આગ લાગવાની ઘટનાને લીધે રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં. ટ્રેનના જનરેટર કોચમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. આગ કયા કારણે લાગી તેનું કારણ હજી અકબંધ છે. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ લાગ્યાની જાણકારી આપી હતી. ટ્રેનમાંથી મુસાફરોને રેલવેના અધિકારીઓએ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હોવાથી મોટી જાનહાની ટળી હતી.