પીએમ મોદી આવતીકાલથી ૨ દિવસ ગુજરાતના પ્રવાસે, ૨૬ સપ્ટેમ્બર સાંજે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું મહિલાઓ દ્વારા અભિવાદન કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭ સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટાઉદેપુર જિલ્લા ખાતે ૫,૨૦૬ કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર વધુને વધુ બહેતર બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, ત્યારે વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ૪,૫૦૫ કરોડ રૂપિયાના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત ૪,૫૦૫ કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ યોજના અંતર્ગત ૧,૪૨૬ કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ૩,૦૭૯ કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં ૯,૦૮૮ નવીન વર્ગખંડો, ૫૦,૩૦૦ સ્માર્ટ ક્લાસરૂમ્સ, ૧૯,૬૦૦ કોમ્પ્યુટર લેબ્સ, ૧૨,૬૨૨ વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન ૨૨ જિલ્લાઓના ૭,૫૦૦ ગામડાઓમાં ૨૦ લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. આ માટે ૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૨૭૭ કરોડ રૂપિયાના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, ૨૫૧ કરોડ રૂપિયાના ખર્ચે શહેરી વિકાસ વિભાગ તેમજ ૮૦ કરોડ રૂપિયાના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દાહોદ ખાતે ૨૩ કરોડ રૂપિયાના ખર્ચે નવોદય વિદ્યાલય તેમજ ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે FM રેડિયો સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં એક દિવસીય પ્રવાસે આવનાર પીએ મોદી કવાંટના લોકોને પણ વિકાસની ભેટ આપશે. તા. ૨૭ મી સપ્ટેમ્બરે પીએમ મોદીના હસ્તે કવાંટ જૂથ યોજના તથા સંલગ્ન ફળિયા કનેક્ટીવીટીનું ખાતમુહૂર્ત થશે. જેનાથી કવાંટના ૨૫ ગામોના લોકોને પીવાના પાણીની સમસ્યાથી કાયમી છુટકારો મળશે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કુલ ૨૫ ગામોમાં બિન પીવાલાયક અને અપૂરતા ભુગર્ભ જળને કારણે ઉભી થયેલી પીવાના પાણીની મુશ્કેલીને દૂર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રૂ.૭૯52 કરોડની નર્મદા રીવર બેઝીન આધારિત ડી.ડી.એસ.એ બલ્ક પાઈપ લાઈન ટેંપીંગ મારફતે કવાંટ જૂથ પાણી પુરવઠા તથા સંલગ્ન ફળિયા કનેક્ટીવીટીની યોજના તૈયાર કરી છે. જેનાથી આ તાલુકાના ડુંગરાળ વિસ્તારના કુલ ૨૫ ગામોની અંદાજીત ૪૧,૦૦૦ લોકોની વસ્તીનું પીવાના પાણીની મુશ્કેલીનું કાયમી ધોરણે નિરાકરણ આવશે.
યોજનામાં મોટી ચીખલી ખાતેના ભૂગર્ભ સંપમાંથી નર્મદાનું રો-વોટર પાણી ૬.૫૦ એમ.એલ.ડી ક્ષમતાના ફીસ્ટ્રેશન પ્લાન્ટમાં પંપ કરી શુદ્ધિકરણ કરેલું પીવાનું પાણી અંદાજીત ૨૧૧.૦૮ કિ.મી પાઈપલાઈન મારફ્તે વહન કરી ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર ૧.૭૯ એમ.એલ ક્ષમતાની કુલ ૩૩ નંગ ઉંચી ટાંકી તથા ૧૧.૬૪ એમ.એલ ક્ષમતાના કુલ ૪૭ નંગ ભૂગર્ભ સંપ મારફતે પીવાનું પાણી નર્મદાના પૂરતા પ્રેશરથી પુરું પાડવાનું સુપેરે આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીના હસ્તે ખાતમુહૂર્ત બાદ જુલાઈ- ૨૦૨૫ સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરી દેવામાં આવશે. નરેન્દ્ર મોદીના આ વિકાસ ભેટથી અહીં ટ્રાયબલ બેલ્ટની મહિલાઓને આરામદાયક રીતે પીવાનું પાણી મળી રહેશે.
જાણો પીએમ મોદીનો સમગ્ર કાર્યક્રમ
– પીએમ મોદી આવતીકાલથી ૨ દિવસ ગુજરાત પ્રવાસે
– ૨૬ સપ્ટેમ્બર સાંજે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોચશે
– અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું અભિવાદન કરાશે
– સંસદમાં મહિલા અનામત બિલ પાસ થતા મહિલાઓ દ્વારા અભિવાદન કરાશે
– ૨૭ સપ્ટેમ્બરે અમદાવાદ સાયન્સ સિટીમાં કાર્યક્રમમાં હાજરી આપશે
– વાયબ્રન્ટ ગુજરાત સમિટના ૨૦ વર્ષની ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપશે
– છોટાઉદેપુરમાં ૫,૨૦૬ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે
– મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂ. ૪,૫૦૫ કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ
– રૂ. ૧,૪૨૬ કરોડના કામોનું લોકાર્પણ, રૂ. ૩,૦૭૯ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે
– ૯,૦૮૮ નવા વર્ગખંડો, ૫૦૩૦૦ સ્માર્ટ ક્લાસરૂમ અપગ્રેડેશનનું ખાતમુહૂર્ત
– 19600 કોમ્પ્યુટર લેબ્સ, ૧૨,૬૨૨ વર્ગખંડોનું અપગ્રેડેશનનું ખાતમુહૂર્ત
– ૭,૫૦૦ ગામોમાં ૨૦ લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાપર્ણ
– દાહોદ ખાતે આકાર પામેલી ૨૩ કરોડના ખર્ચે નવોદય વિદ્યાલયનું લોકાપર્ણ
– દાહોદમાં બનાવેલા ૧૦ કરોડના ખર્ચે FM રેડિયો સ્ટુડિયોનું કરશે લોકાર્પણ
– વડોદરા ખાતેના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આપશે હાજરી
– વડોદરાના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પીએમ દિલ્હી જવા રવાના થશે