વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજભવન ખાતે રાત્રિ રોકાણ અને જાસપુર ખાતેના કાર્યક્રમને લઈને ગાંધીનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના મહેમાન બનવાના છે. તેઓ આજે સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન કરશે. જે બાદ તેઓ ગાંધીનગર રાજભવન જવા રવાના થશે. પીએમ મોદી ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરના રોજ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરવાના હોવાથી અને જાસપુર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવા જવાના હોવાથી ગાંધીનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આજે સાંજે ૦૪:૦૦ વાગ્યાથી આવતીકાલે બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી કયા કયા રસ્તાઓ બંધ રહેશે તે અંગે માહિતી આપવામાં આવી છે.
ગાંધીનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરત જોશી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યા અનુસાર, ગાંધીનગરના સેક્ટર ૩૦ સર્કલથી ઇન્દ્રોડા પાર્ક સુધીના માર્ગ પર વાહનવ્યવહાર આજે સાંજે ૦૪:૦૦ વાગ્યાથી આવતીકાલે બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. આ ઉપરાંત ઇન્દ્રોડા પાર્કના રસ્તા પરથી પસાર થતા વાહનોને ડાયવર્ટ કરાશે. આ રોડ તરફ જતા વાહનોને ઘ રોડ તરફ ડાયવર્ટ કરાશે. જ્યારે ચિલોડા તરફથી આવતા વાહનોને રોડ નંબર ૭ પર ડાયવર્ટ કરાશે.
પીએમ મોદીના જાસપુર ઉમિયા ધામના કાર્યક્રમ હાજરી આપશે. જેથી ઇન્દિરા બ્રિજથી ચિલોડા સર્કલ સુધીના રોડ પર ૫૦ મીટર સુધીનો વિસ્તાર ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. તો ઇન્દ્રોડા સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના રોડ પર ૫૦ મીટર સુધીનો વિસ્તાર ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રી રોકાણ ગાંધીનગર રાજભવન ખાતે કરશે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજભવન ખાતે પીએમ મોદી કેટલાક મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ સાથે મુલાકાત કરી શકે છે. તો રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ આજે બેઠક યોજાઈ શકે છે.
જાણો પીએમ મોદીનો સમગ્ર કાર્યક્રમ
– પીએમ મોદી આવતીકાલથી ૨ દિવસ ગુજરાત પ્રવાસે
– ૨૬ સપ્ટેમ્બર સાંજે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોચશે
– અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું અભિવાદન કરાશે
– સંસદમાં મહિલા અનામત બિલ પાસ થતા મહિલાઓ દ્વારા અભિવાદન કરાશે
– ૨૭ સપ્ટેમ્બરે અમદાવાદ સાયન્સ સિટીમાં કાર્યક્રમમાં હાજરી આપશે
– વાયબ્રન્ટ ગુજરાત સમિટના ૨૦ વર્ષની ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપશે
– છોટાઉદેપુરમાં ૫૨૦૬ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે
– મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂ.૪૫૦૫ કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ
– રૂ.૧૪૨૬ કરોડના કામોનું લોકાર્પણ, રૂ.૩૦૭૯ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે
– ૯૦૮૮ નવા વર્ગખંડો, ૫૦૩૦૦ સ્માર્ટ ક્લાસરૂમ અપગ્રેડેશનનું ખાતમુહૂર્ત
– ૧૯૬૦૦ કોમ્પ્યુટર લેબ્સ, ૧૨,૬૨૨ વર્ગખંડોનું અપગ્રેડેશનનું ખાતમુહૂર્ત
– ૭૫૦૦ ગામોમાં ૨૦ લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાપર્ણ
– દાહોદ ખાતે ૨૩ કરોડના ખર્ચે આકાર પામેલી નવોદય વિદ્યાલયનું લોકાપર્ણ
– દાહોદમાં ૧૦ કરોડના ખર્ચે બનાવેલા FM રેડિયો સ્ટુડિયોનું કરશે લોકાર્પણ
– વડોદરા ખાતેના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આપશે હાજરી
– વડોદરાના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પીએમ દિલ્હી જવા રવાના થશે