અમદાવાદ સહિત રાજ્યનાં ૫ શહેરોમાંથી ગરમીનો પારો ૩૭ ડિગ્રીને પાર નોંધાયો છે. ત્યારે ઓક્ટોમ્બર મહિનામાં તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થઈ શકે છે. તેમજ ઓક્ટોમ્બર મહિનામાં વરસાદ પડવાની શક્યતા ખૂબ જ ઓછી છે.
રાજ્યમાંથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. તો બીજી તરફ ચોમાસાની વિદાયની સાથે સાથે રાજ્યમાં એકાએક ગરમીનો પારો ઉંચકાયો છે. અંગ દઝાડતી ગરમીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદમાં ઓક્ટોમ્બરનાં પ્રથમ દિવસથી જ ગરમીનો પારો ૩૭ ડીગ્રી પહોંચી ગયો છે. ત્યારે આગામી સમયમાં અમદાવાદનાં તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ૨ ડિગ્રી વધીને ૩૭ ડીગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ૧ ડિગ્રી વધીને ૨૫.૫ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાંથી ચોમાસુ આગામી થોડાક દિવસમાં વિદાય લઈ રહ્યું છે. પરંતું દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે.
હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં સામાન્ય કરતા ૧૯ % વધુ વરસાદ પડ્યો છે. તેમજ આગામી સપ્તાહમાં ચોમાસુ રાજ્યમાંથી વિદાય લઈ શકે છે. જેથી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની સંભાવનાં નહિવત છે. પરંતું વરસાદની વિદાય થતા ઓક્ટોમ્બર મહિનામાં અમદાવાદનાં તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થઈ શકે છે. તેમજ ઓક્ટોમ્બર મહિનામાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે અમદાવાદમાં સીઝનનો સરેરાશ ૩૦ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાવા પામ્યો છે.
ગુજરાત રાજ્યમાંથી ધીમા પગલે ચોમાસાની વિદાયની સાથે સાથે વાતાવરણમાં ધીમે ધીમે ભેજનું પ્રમાણ ઘટશે. અમદાવાદનાં તાપમાનમાં વધારો થઈ શકે છે. ઓક્ટોમ્બર મહિનામાં વરસાદ પડવાની શક્યતા ખૂબ જ ઓછી છે. પરંતું જો વેસ્ટર્ન ડિસ્ટબન્સ થાય તો છૂટો છવાયો વરસાદ પડી શકે છે.