અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડકપની મેચને લઈને તૈયારીઓ

ભારત-પાકિસ્તાનની મેચ લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જે બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા મુદ્દે અધિકારી સાથે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી ૧૪ મી ઓક્ટોબરે રમાનારી આઈ સી સી વર્લ્ડ કપ ક્રિકેટ મેચ સંદર્ભમાં રાજ્યના પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી સુરક્ષા-સલામતી વ્યવસ્થાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ગૃહ રાજ્યમંશ્રી હર્ષ સંઘવી સહિત મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા અંગે તેમ જ મેચ જોવા આવનારા દર્શકોની સલામતી તથા ટ્રાફિક નિયમન અંગે પણ બેઠકમાં  વિગતો મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે બેઠકમાં થયેલી ચર્ચા મુદ્દે વાત કરતા કહ્યું કે,  સુરક્ષા વ્યવસ્થા બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. ભારત-પાકિસ્તાનની મેચ જોવા અનેક રાજ્યોમાંથી દર્શકો આવશે. જે દર્શકોને અસુવિધા ન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા છે. સ્ટેડિયમ આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રહેશે.

ક્રિકેટ મેચને લઈ શહેરમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેમજ વિવિધ ક્રિકેટ પ્રેમીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેને લઈ વિવિધ વિભાગો દ્વારા તૈયારીઓ અને કામગીરી કરાઈ છે તે અંગે મુખ્યમંત્રીએ જાણકારી મેળવી છે. તેમજ કેટલીક બાબતોને લઈ જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ આપવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સ્ટેડિયમ બહાર પણ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *