કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે મંગળવારે જણાવ્યું, ઈસરો ૨૧ ઓક્ટોબરે ગગનયાન મિશન માટે પ્રથમ પરીક્ષણ ઉડાન શરૂ કરવા જઈ રહ્યું છે.
મંગળ પછી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને રેકોર્ડ બનાવનાર ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)એ હવે અવકાશમાં માનવ મિશન મોકલવાની તૈયારીઓ પૂર્ણ કરી છે. કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી અને અવકાશ મંત્રી જિતેન્દ્ર સિંહે મંગળવારે જણાવ્યું હતું કે, ઈસરો ૨૧ ઓક્ટોબરે ગગનયાન મિશન માટે પ્રથમ પરીક્ષણ ઉડાન શરૂ કરવા જઈ રહ્યું છે.
કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી અને અવકાશ મંત્રી જિતેન્દ્ર સિંહે ચંદ્રયાન-૩ અને આદિત્ય એલ-૧ મિશનમાં સામેલ ઈસરોના ઈજનેરોના સન્માન કાર્યક્રમમાં કહ્યું હતું કે, અવકાશમાં ગયા બાદ ગગનયાન ફરી સમુદ્રમાં ઉતરશે. નૌકાદળે પહેલાથી જ ક્રૂ સભ્યોના સુરક્ષિત પરત ફરવાની ખાતરી કરવા માટે મોડ્યુલને પુનઃપ્રાપ્ત કરવા માટે એક મોક ઓપરેશન શરૂ કરી દીધું છે.
ઈસરો આવતા વર્ષના અંતમાં અવકાશમાં માનવ મિશન હાથ ધરશે. તે પહેલા આ ટેસ્ટ ટેસ્ટ થવા જઈ રહ્યો છે. ક્રૂ મોડ્યુલ કે જેમાં અવકાશયાત્રીઓને મોકલવામાં આવશે તેનું નામ ટેસ્ટ વ્હીકલ ડેવલપમેન્ટ ફ્લાઇટ (ટીવી-ડી-૧) છે. તેને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં લોન્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ મોડ્યુલમાં ક્રૂ મેમ્બર્સને અંતરિક્ષમાં ૪૦૦ કિલોમીટરના અંતરે મોકલવા માટે પરીક્ષણ કરવામાં આવશે પછી તેને પૃથ્વી પર પાછું લાવીને બંગાળની ખાડીના સમુદ્રમાં લેન્ડ કરવામાં આવશે.
અંતરિક્ષના અનંત રહસ્યોને જાણવા માટે સ્પેસ રેસમાં ઈસરો ઝડપથી આગળ વધી રહ્યું છે. ૨૩ ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ પહેલા પૃથ્વીની પેલે પાર બીજા અવકાશી પદાર્થ મંગળ પર અવકાશયાન મોકલીને સફળતાનો ધ્વજ લહેરાવ્યો હતો. હાલમાં સૂર્યના બાહ્ય પડનો અભ્યાસ કરવા માટેનું ઈસરોનું બીજું મહત્ત્વાકાંક્ષી મિશન આદિત્ય એલ-૧ તેની યાત્રા પર છે. પૃથ્વીથી ૧૫ લાખ કિલોમીટર દૂર એલ-૧ પોઈન્ટ પર સ્થાપિત કરીને સૂર્યનો અભ્યાસ કરવાનો છે. ઈસરોએ કહ્યું હતું કે, મિશન સફળતાપૂર્વક તેના ગંતવ્ય તરફ આગળ વધી રહ્યું છે.
હવે અંતરિક્ષમાં મોકલાશે વ્યોમમિત્ર રોબોટ