ઉત્તરાખંડના પિથોરાગઢમાં કૈલાશ વ્યુ પોઈન્ટથી પીએમ મોદીએ કર્યા આદિ કૈલાશના દર્શન, ચીનના કબજા હેઠળના તિબેટ જવાની જરૂર રહેશે નહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સવારે ઉત્તરાખંડના પિથોરાગઢમાં કૈલાશ વ્યુ પોઈન્ટથી આદિ કૈલાશના દર્શન કર્યા હતા. આ વ્યુ પોઈન્ટ જોલિંગકોંગ વિસ્તારમાં છે જ્યાંથી કૈલાશ પર્વત સ્પષ્ટ દેખાય છે. આ માટે ચીનના કબજા હેઠળના તિબેટ જવાની જરૂર રહેશે નહીં. આ સાથે પીએમ મોદીએ પાર્વતી કુંડમાં પૂજા અર્ચના કરી હતી. ચીનની સરહદ અહીંથી ૨૦ કિલોમીટર દૂરથી શરૂ થાય છે.
નરેન્દ્ર મોદી દેશના પહેલા પીએમ છે જેમણે ઉત્તરાખંડમાં ભારત-ચીન બોર્ડર પર આદિ કૈલાશ પર્વતની મુલાકાત લીધી હતી. મહત્વનું છે કે, ઉત્તરાખંડના ધારચુલાથી ૭૦ કિમી દૂર અને ૧૪,૦૦૦ ફૂટ ઉપર આવેલું એક નાનકડું નિર્જન ગામ ગુંજી આગામી બે વર્ષમાં એક મોટા ધાર્મિક શહેર શિવધામ તરીકે વિકસિત થશે. ધારચુલા પછી, કૈલાશ વ્યુ પોઈન્ટ, ઓમ પર્વત અને આદિ કૈલાશના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે આ સૌથી મોટો અને મહત્વપૂર્ણ સ્ટોપ હશે. અહીંયા મોટા યાત્રી આવાસ અને હોટલ બનાવવામાં આવશે. ભારતીય ટેલિકોમ કંપનીઓનું નેટવર્ક પણ ઉપલબ્ધ થશે. ગામમાં હોમ સ્ટે વધારવામાં આવશે.
ગુંજી વ્યાસ ખીણમાં સુરક્ષિત જમીન પર આવેલું છે, જ્યાં ન તો ભૂસ્ખલનનો ભય છે કે ન તો પૂરનો. હાલમાં અહીં માત્ર ૨૦ થી ૨૫ પરિવારો જ રહે છે, જેઓ ભાગ્યે જ પોતાનો ખર્ચ ઉઠાવી શકે છે. પિથોરાગઢના ડીએમ રીના જોશીના જણાવ્યા અનુસાર નાભિધંગ, ઓમ પર્વત અને કૈલાશ વ્યુ પોઈન્ટનો રસ્તો ગુંજીની જમણી બાજુથી જાય છે, જ્યારે આદિ કૈલાશ અને જોલીકોંગનો રસ્તો ડાબી બાજુથી જાય છે. તેથી આ ગામ કૈલાસ યાત્રીઓની સુવિધા માટે યોગ્ય છે.