ઈઝરાયલ-હમાસ યુદ્ધની અસર ભારત પર

ઈઝરાયલ અને હમાસ યુદ્ધની વચ્ચે ભારતમાં પણ યુદ્ધ સંબંધિત નારેબાજી શરૂ થવા લાગી છે. શુક્રવારે J&Kમાં ઈઝરાયલ અને અમેરિકા વિરોધી નારાઓ લાગ્યાં.

ઈઝરાયલ અને હમાસનાં યુદ્ધની વચ્ચે ભારતમાં આ ઘટના સંબંધિત પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. શુક્રવારે જમ્મૂ-કાશ્મીરનાં બડગામમાં ઈઝરાયલ અને અમેરિકા વિરોધી નારાઓ લાગ્યાં હતાં. આ નારેબાજી જુમાની નમાજ બાદ લગાડવામાં આવ્યાં હતાં. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠાં થયાં અને પોતાના હાથમાં પોસ્ટર્સ પકડીને નારેબાજી કરવા લાગ્યાં હતાં. ઈઝરાયલ-અમેરિકા વિરોધી નારાઓ સિવાય ધાર્મિક નારાઓ પણ સાંભળવા મળ્યાં હતાં. આ ઘટના બાદ દિલ્હી, ઉત્તરપ્રદેશ અને કાશ્મીર સહિત દેશનાં ઘણાં રાજ્યોમાં હાઈ એલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે.

હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી ભારતે સતત પોતાનું સમર્થન ઈઝરાયલને આપ્યું છે. ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હુમલા બાદ નિવેદન આપતાં કહ્યું હતું કે આ દુ:ખની ઘડીમાં ભારત સંપૂર્ણપણે ઈઝરાયલની સાથે છે. તો મંગળવારે ઈઝરાયલનાં પીએમ નેતન્યાહૂએ પીએમ મોદીને ફોન કર્યો હતો અને હાલની સ્થિતિ અંગે જાણકારી આપી હતી.

ઉત્તરપ્રદેશમાં ઈઝરાયલ-હમાસ યુદ્ધ પર ભારત સરકારનાં સ્ટેન્ડની વિરોધમાં બોલનારા લોકોને ટાર્ગેટ કરતાં સીએમ આદિત્યનાથ યોગીએ ઓફિસરોને સ્પષ્ટ આદેશો આપ્યાં કે ઈઝરાયલ યુદ્ધમાં ભારત સરકારનાં વિચારોનાં વિરોધની કોઈપણ પ્રકારની ગતિવિધિ ન થવી જોઈએ. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા હોય કે ધાર્મિક સ્થળ, ક્યાંયથી પણ કોઈપણ પ્રકારનાં ઉન્માદપૂર્ણ નિવેદનો જાહેર ન થવા જોઈએ. જો કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવાનો પ્રયાસ કરવામાં આવશે, તો તેની સામે તાત્કાલિક કડક પગલાંઓ લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *