મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યની ગ્રામ પંચાયત કક્ષાએ તેમજ નગરપાલિકા-મહાનગરપાલિકા વોર્ડ કક્ષાએ તા.૦૬ થી ૧૩ ઓક્ટોબર દરમિયાન ‘અમૃત કળશ – માટી યાત્રા’ હેઠળ તા.૧૪ થી ૨૦ ઓક્ટોબર ૨૦૨૩ સુધી રાજ્યની તાલુકા પંચાયત,નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં દેશ ભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.
આ અંતર્ગત આજે વિવિધ તાલુકાઓ અને નગરપાલિકાઓમાં પહોંચેલી ‘અમૃત કળશ- માટી યાત્રા’નું સ્થાનિક ધારાસભ્યશ્રી- સાંસદશ્રીઓ પદાધિકારીઓ, અધિકારીઓ, શહીદોના પરિવારજનો, નિવૃત્ત સૈનિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ‘અમૃત કળશ- માટી યાત્રા’ તા. ૨૪ થી ૨૬ ઓક્ટોબર ૨૦૨૩ દરમિયાન રાજ્ય કક્ષાએ પહોંચશે જ્યાં દેશ ભક્તિની થીમ પર અલગ અલગ કાર્યક્રમો યોજાશે. આ યાત્રા ત્યારબાદ તા. ૨૯ થી ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ દરમિયાન નવી દિલ્હી પહોંચશે જ્યાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત દેશવાસીઓમાં દેશભક્તિની ભાવના વધુને વધુ બળવત્તર બને તેવા ઉમદા હેતુથી તમામ ગામોની પવિત્ર માટી એકત્રિત કરીને કર્તવ્ય પથ,નવી દિલ્હી ખાતે શહીદોની યાદમાં બનાવવામાં આવેલ ‘અમૃત વાટિકા’માં અર્પણ કરવા ગુજરાત સહિત દેશભરમાં ‘અમૃત કળશ-માટી યાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેને નાગરિકોનો ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે તેમ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે.