પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટ ૨૦૨૩ ની ત્રીજી આવૃત્તિનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સ આવતીકાલથી ૧૯ ઓક્ટોબર દરમિયાન મુંબઈમાં યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ‘અમૃત કાલ વિઝન ૨૦૪૭’નું અનાવરણ કરશે, જે ભારતીય મેરીટાઇમ બ્લુ ઈકોનોમી માટે લાંબા ગાળાની બ્લુપ્રિન્ટ છે. આ બ્લુપ્રિન્ટમાં બંદર સુવિધાઓ વધારવા, ટકાઉ પ્રણાલીઓનું વિસ્તરણ અને આંતરરાષ્ટ્રીય સહયોગને સરળ બનાવવાના હેતુથી વ્યૂહાત્મક પહેલોની રૂપરેખા આપવામાં આવી છે.
પ્રધાનમંત્રી ભારતીય મેરીટાઈમ બ્લુ ઈકોનોમી માટે ‘અમૃત કાલ વિઝન ૨૦૪૭’ને અનુરૂપ રૂ. ૨૩ હજાર કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ૪,૫૦૦ કરોડથી વધુના ખર્ચે ગુજરાતના દીનદયાલ પોર્ટ ઓથોરિટી ખાતે બનાવવામાં આવનાર ટુના ટેકરા ઓલ વેધર ડીપ ડ્રાફ્ટ ટર્મિનલનો શિલાન્યાસ કરશે. આ અત્યાધુનિક ગ્રીનફિલ્ડ ટર્મિનલ જાહેર-ખાનગી ભાગીદારી ફોર્મેટ હેઠળ બનાવવામાં આવશે. એવી અપેક્ષા છે કે આ ટર્મિનલ આંતરરાષ્ટ્રીય વેપાર હબ તરીકે ઉભરી આવશે. આ ટર્મિનલ 18 હજાર વીસ ફૂટ યુનિટની સમકક્ષ અત્યાધુનિક જહાજોનું સંચાલન કરશે અને ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર દ્વારા ભારતીય વેપાર માટે પ્રવેશદ્વાર તરીકે કામ કરશે.
આ સમિટમાં વૈશ્વિક સીઈઓ, બિઝનેસ હાઉસના વડાઓ, રોકાણકારો, એક્ઝિક્યુટિવ્સ અને અન્ય હિતધારકો પણ હાજરી આપશે. આ સમિટમાં દેશના વિવિધ રાજ્યોના મંત્રીઓ અને અન્ય મહાનુભાવો પણ ભાગ લેશે.