સાંપામાં ડામર પ્લાન્ટનો વિરોધ : ખેતી પાક, લોકોના સ્વાસ્થ્યને ભારે નુકસાન થવાની ભિતી

જમીન ફળદ્રુપતા ગુમાવી દે તેવી સ્થિતિ, મુખ્યમંત્રીથી લઈને સંબંધિત વિભાગના અધિકારીઓને રજૂઆત :  મંજૂરી લીધા વગર  ફેક્ટરી ઊભી કરી દેવાઇ.

દહેગામના સાંપા ગામે આવેલ બિન ખેતીની જમીનમાં વગર મંજૂરીએ ડામર પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે. જેને લઈને ગામના ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ પ્લાન્ટને શરૃ કરવાની મંજૂરી આપવામાં ન આવે તેવી રજૂઆત સાથે મુખ્યમંત્રીથી લઈને સંબંધિત વિગભાગના અધિકારીઓને ગ્રામજનો દ્વારા  લેખિતમાં વિનવણી કરવામાં આવી છે. આ પ્લાન્ટને કારણે જમીનનેખેતી પાકને તેમજ ગ્રામજનોના સ્વાસ્થ્યને નુકસાન થાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

દહેગામ તાલુકાના સાંપા ગામમાં બ્લોક સર્વે નંબર ૫૩૯ (જુનો સર્વે નંબર ૪૩૨) વાળી બિનખેતીની જમીનમાં ડામર પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. જે ડામર પ્લાન્ટ બનતા આજુબાજુની ખેતીલાયક જમીનોની ફળદ્પતા જોખમાય તેવી પરિસ્થિતિ ઉભી થતા આ ડામર પ્લાન્ટને મંજૂરી ન આપવા માટે અરજી કરવામાં આવી છે. ડામર પ્લાન્ટ ઊભો કરવામાં આવે અને મંજૂરી આપવામાં આવે તો પ્લાન્ટમાં રોડ બનાવવા માટેનો માલ ઉત્પન્ન કરવા માટે કંપની ઉભી કરવામાં આવશે. જેમાં ૨૪ કલાક રેતી, ડસ્ટ, કપચી, ડામર તેમજ રોડ બનાવવા માટે અન્ય પ્રોડક્ટો ઠાલવવામાં આવશે. જેના કારણે આજુબાજુના ખેતરોમાં તેમજ ગામમાં તેના રજકણોને કારણે નુકસાન થવાની ભિતી વ્યક્ત કરવામાં આવી રહી છે.  એન્વાયરમેન્ટનુ  ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી એક ઈંટ પણ મૂકી શકાતી નથી, પરંતુ સાંપા ગામે પર્યાવરણીય સંમતિ વગર આખી ફેક્ટરી ઊભી કરી દેવામાં આવી છે. તેમજ તેમાં સાધનો પણ ગોઠવી દેવામાં આવ્યા છે. ગ્રીન ટીબ્યુનલે મંજૂરી વગર કરેલા બાંધકામ અંગે એકવાર ચુકાદો આપવામાં આવ્યો છે અને આવા બાંધકામ થયા હોય તો તેને ગેરકાયદેસર બાંધકામ ગણીને – દબાણ ગણીને તોડી પાડવા જોઈએ તેમ કહેવામાં આવ્યું છે. જેથી આ ફેક્ટરીને લોકહિતમાં મંજૂરી ન આપવા માટે મુખ્યમંત્રીથી લઈને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને રહીશો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *