અરબી સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે, આ સિસ્ટમના કારણે એક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જે ૨૧ ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં સાનુકૂળ હવામાન હોઈ ખેલૈયાઓએ બરાબરની જમાવટ કરી છે. રાજ્ય સરકારે પણ રાતના ૧૨:૦૦ વાગ્યા સુધી રાસ-ગરબા રમવાની મર્યાદાને દૂર કરતાં માઈ ભક્તોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે. એક તરફ રાજ્યમાં નવલી નવરાત્રીનો રંગ પુરબહારમાં જામી ઊઠ્યો છે તો બીજી તરફ અરબી સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે, જે વાવાઝોડામાં ફેરવાઈને ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે, જોકે નવરાત્રીના સમયગાળામાં આ વાવાઝોડું ફૂંકાશે કે કેમ તે અંગે તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

હાલમાં રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે અને સવારે તેમજ રાતે શિયાળાનો હળવો અનુભવ અને બપોરે ધોમધખતો તડકો એમ ડબલ સિઝનનો વાવડ જોવા મળ્યો છે. ડબલ સિઝનના કારણે અનેક લોકો તાવ, શરદી અને ખાંસી જેવા રોગમાં પટકાઈ રહ્યા છે. અમદાવાદમાં ખાનગી દવાખાનાં અને હોસ્પિટલ આવા રોગીઓથી ઊભરાઈ રહ્યાં છે. ખાસ કરીને ડબલ સિઝનમાં ડેન્ગ્યુનો પ્રકોપ લોકોને ભયભીત કરી રહ્યો છે. આવા વાતાવરણ વચ્ચે આકાશ ચોખ્ખુંચટ રહેતું હોઈ ઠેર ઠેર ગરબાએ ધમાલ મચાવી છે. ચાલી, સોસાયટી, ફ્લેટમાં થતા શેરી ગરબા કહો કે પછી મોટા પાર્ટી પ્લોટમાં કોમર્શિયલ ધોરણે થઈ રહેલા ગરબા-રાસના કાર્યક્રમો ગણો પણ તમામ જગ્યાએ યુવા હૈયાં હિલોળે ચઢ્યાં છે. રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી. આ ઉપરાંત હવામાન સૂકું રહેવાની સંભાવના છે એટલે તા.૨૩ ઓક્ટોબરની નોમ સુધી ગરબાની રમઝટ પૂરેપૂરી જામે તેવી ભરપૂર શક્યતા છે.

હવામાન નિષ્ણાતોએ પણ એવું અનુમાન લગાવ્યું છે કે અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. ગુજરાતના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ભારે પવન ફૂંકાશે અને કરા પડી શકે તેમ છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા આ હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. આ બધા વચ્ચે કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. આમ તો ચોમાસાએ વિધિવત્ રીતે વિદાય લઈ લીધી છે, પરંતુ ગત સોમવારે વીસાવદર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોર બાદ અસહ્ય ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસતાં આ તાલુકામાં બેથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે તો બીજી તરફ અમદાવાદીઓ માટે આનંદના સમાચાર એ છે કે આગામી ૨૪ ઓક્ટોબર સુધી શહેરમાં વરસાદની કોઈ શક્યતા નથી. આ દિવસોમાં અમદાવાદમાં હળવો વરસાદ પણ પડવાનો નથી, કેમ કે હવામાન વિભાગની આગાહી મુજબ આકાશ સ્વચ્છ રહેશે, જોકે તા. ૨૩ અને ૨૪ ઓક્ટોબરે આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *