ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ માં રમાશે, રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ શાનદાર ફોર્મમાં છે પણ તેનાથી શાકિબ અલ હસનની ટીમને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે.
વર્લ્ડ કપ ૨૦૨૩ ભારત અને બાંગ્લાદેશ મેચ:
ટીમ ઈન્ડિયા ૧૯ ઓક્ટોબર, ગુરુવારે વર્લ્ડ કપ ૨૦૨૩ માં બાંગ્લાદેશનો સામનો કરશે. બાંગ્લાદેશની ટીમ ૨૫ વર્ષ બાદ ભારતમાં વનડે મેચ રમશે. બાંગ્લાદેશ છેલ્લે ૧૯૯૮ માં ભારતમાં વાનખેડે ખાતે ભારત સામે અંતિમ વન-ડે રમ્યું હતું. વર્લ્ડ કપ ૨૦૨૩ ની વાત કરીએ તો રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ શાનદાર ફોર્મમાં છે પણ તેનાથી શાકિબ અલ હસનની ટીમને હળવાશથી લેવાની ભૂલ નહીં થાય. ખાસ કરીને અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડ સામે અને નેધરલેન્ડની સાઉથ આફ્રિકા સામેની જીત બાદ. વર્લ્ડ કપમાં 3 દિવસમાં ૨ અપસેટ જોવા મળ્યા છે. અગાઉ ડિસેમ્બર ૨૦૨૨ માં ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ પ્રવાસમાં વન ડે શ્રેણી ૨-૧ થી હારી ગઈ હતી. ભારત છેલ્લી ૪ વન-ડેમાંથી ૩ માં બાંગ્લાદેશ સામે હાર્યું છે.
આ વર્લ્ડ કપમાં ભારતે ઓસ્ટ્રેલિયા બાદ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને હરાવ્યું છે. બીજી તરફ બાંગ્લાદેશની ટીમ ૩ માંથી ૨ મેચ હારી છે. તેણે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. આ પછી તેનો ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો હતો.
પિચ રિપોર્ટ:
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ માં રમાશે. એમસીએ વિશે વાત કરીએ તો ૨૦૧૭ પહેલા બેટિંગ કરી રહેલી ટીમોએ અહીં પાંચમાંથી ત્રણ વન-ડે મેચમાં ૩૦૦ થી વધુ રન બનાવ્યા છે. નાની બાઉન્ડ્રીના કારણે ઘણા રન બને છે. જોકે આ મેદાન પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નવ મહિનામાં આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. આ પિચ બેટ્સમેનોને અનુકૂળ રહેશે.