લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણ માં ખળભળાટ જોવા મળ્યો, ભાજપ , આપ , બીટીપી ના ૫૦૦ જેટલા નેતા, કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા રાજ્યની જૂની પાર્ટીને પ્રોત્સાહન મળ્યું છે.
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના મનોબળમાં વધારો થયો છે. રાજ્યમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી ના ઓછામાં ઓછા ૫૦૦ નેતાઓ અને કાર્યકરો ગુરુવારે ગુજરાતની મોટી જૂની પાર્ટીમાં જોડાયા છે.
અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી ના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિક અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી ના વડા શક્તિસિંહ ગોહિલની હાજરીમાં પાર્ટીમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અન્ય રાજકીય સંગઠનોના ૫૦૦ થી વધુ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા. જેમાં આમ આદમી પાર્ટી ના ૨૫૦, ભાજપ ના ૭૦ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી ના બાકીના સભ્યોનો સમાવેશ થાય છે. એકલા સાબરકાંઠા જિલ્લામાંથી કુલ ૩૧૦ આગેવાનો જોડાયા હતા. જેમાં ભાજપના ૫૩, ભારતીય ટ્રાઇબલ પાર્ટી ના ૧૫૪ અને આમ આદમી પાર્ટી ના ૮૬ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પ્રદેશોના વધારાના ૨૦૦ નેતાઓ અને કાર્યકરો પણ પાર્ટીમાં જોડાયા છે”.