કેનેડાએ મોદી સરકારના અલ્ટીમેટમ બાદ ભારતમાંથી ૪૧ રાજદ્વારીઓને પાછા બોલાવ્યા

કેનેડાના વિદેશ મંત્રીએ કહ્યું, કેનેડાએ નિર્ણય લીધો છે કે તે ભારતના આ પગલા પર કોઈ પ્રતિક્રિયા નહીં આપે.

રાજદ્વારી તણાવ વચ્ચે કેનેડાએ મોદી સરકારના અલ્ટીમેટમ બાદ ભારતમાંથી તેના ૪૧ રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે. આ માહિતી કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ ગુરુવારે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપી હતી. આ દરમિયાન હવે કેનેડાના એક પૂર્વ રાજદ્વારીએ કહ્યું છે કે, ભારતે કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવા માટે કહ્યું તે સામાન્ય ઘટના નથી. છેલ્લા 40 કે 50 વર્ષમાં આવી કોઈ ઘટના મને યાદ નથી કે જ્યાં આવું કંઈક બન્યું હોય. જોકે ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવાની નિશ્ચિત તારીખ 10 ઓક્ટોબર હતી. પરંતુ કેનેડાએ ભારત સાથે ખાનગી વાટાઘાટો દ્વારા આ મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ મંત્રણા નિષ્ફળ રહી હતી.

કેનેડાના વિદેશ મંત્રી જોલીએ કહ્યું છે કે, હું પુષ્ટિ કરી શકું છું કે ભારતે ૨૦ ઓક્ટોબર પછી ૨૧ કેનેડિયન રાજદ્વારીઓ સિવાય તમામની રાજદ્વારી પ્રતિરક્ષા સમાપ્ત કરવાની તેની યોજના વિશે અમને જાણ કરી છે. રાજદ્વારીઓની સુરક્ષાને ધ્યાનમાં લેવામાં આવશે. આને ધ્યાનમાં રાખીને અમે ભારતમાંથી તેમની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરી છે. આનો અર્થ એ થયો કે ભારતમાં રહેતા ૪૧ રાજદ્વારીઓ અને તેમના પરિવારોએ ભારત છોડી દીધું છે.

કેનેડા દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે આ મહિને 3 ઓક્ટોબરના રોજ ભારત સરકારે કેનેડાને ચેતવણી આપી હતી કે, જો રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવામાં નહીં આવે તો તેમની તમામ રાજદ્વારી પ્રતિરક્ષા હટાવી દેવામાં આવશે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ગંભીર આરોપ લગાવ્યા બાદ બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ ચરમ પર છે.

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલ રાજદ્વારી વિવાદ વધુ વધે તેવી શક્યતા નથી. કારણ કે કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું છે કે, કેનેડાએ નિર્ણય લીધો છે કે તે ભારતના આ પગલા પર કોઈ પ્રતિક્રિયા નહીં આપે. કેનેડાના વિદેશ મંત્રી જોલીએ વધુમાં કહ્યું હતું કે, જે કેનેડિયન રાજદ્વારીઓને ભારત આજે હાંકી કાઢે છે તેઓને ભારતે કેનેડિયન રાજદ્વારીઓ તરીકે માન્યતા આપી હતી. અને તે તમામ રાજદ્વારીઓ સદ્ભાવના અને બંને દેશોના વ્યાપક હિતમાં લાભ માટે તેમની ફરજો બજાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *