ગુજરાત પર સંભવિત વાવાઝોડા ‘તેજ’નો ખતરો, માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ ચેતવણી અને બંદરો પર લગાવાયા ૧ નંબરના સિગ્નલ.
વાવાઝોડા ‘તેજ’નું સંકટ આવવાની શક્યતા સેવાઈ રહી છે, જોકે અમદાવાદ માટે તો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની આગાહી કરી હોઈ ખેલૈયાઓના નવરાત્રીના રંગમમાં ભંગ પડવાનો નથી. જોકે ગુજરાતના માથે તોળાઈ રહેલા વાવાઝોડાના સંકટને જોતાં હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે.
ગુજરાત પર સંભવિત વાવાઝોડાનો ખતરો હોવાથી દરિયાકાંઠે બંદરો પર એક નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. ગુજરાતના પોરબંદર, વેરાવળ, ઓખા, નવલખી, બેડી, સિક્કા બંદર પર ૧ નંબરના સિગ્ન લગાવાયા છે. આપને જણાવી દઈએ કે, હાલ સંભવિત વાવાઝોડાનો રૂટ ઓમાન તરફ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ‘તેજ’ ચક્રવાતી તોફાન રવિવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે અને દક્ષિણમાં ઓમાન અને યમનના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. જોકે, હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આ વાવાઝોડું પણ અગાઉના ચક્રવાતી તોફાન બિપરજોયની જેમ પોતાનો માર્ગ બદલી શકે છે.