ચંદ્ર પર સ્લીપ મોડમાં રહેલા ચંદ્રયાન-3ને લઈને સારા સમાચાર

ઈસરો ચીફ એસ સોમનાથનું માનવું છે ચંદ્ર પર સ્લીપ મોડમાં રહેલા ચંદ્રયાન-૩ નું રોવર પ્રજ્ઞાન ફરીથી સક્રિય થઈ શકે છે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ચેરમેન એસ.સોમનાથે જણાવ્યું હતું કે ચંદ્રયાન-૩ નું રોવર ‘પ્રજ્ઞાન’ ચંદ્રની સપાટી પર સ્લીપ મોડમાં છે, પરંતુ તે ફરીથી સક્રિય થવાની શક્યતા નકારી શકાય નહીં. સોમનાથે કહ્યું કે અંતરિક્ષ એજન્સી સારી રીતે જાણે છે કે રોવર અને લેન્ડર ‘વિક્રમ’ ચંદ્રની સપાટી પર સુષુપ્ત અથવા સુષુપ્ત અવસ્થામાં ગયા છે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-૩ મિશનનો હેતુ સોફ્ટ લેન્ડિંગનો હતો અને ત્યારબાદ આગામી ૩ દિવસમાં પ્રયોગો કરવામાં આવ્યા અને તમામ જરૂરી ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે.

 

સોમનાથે કહ્યું, “હવે તે ત્યાં શાંતિથી સૂઈ રહ્યું છે… તેને સારી રીતે સૂવા દો.. આપણે  તેને ખલેલ ન પહોંચાડીએ … જ્યારે તે જાતે સક્રિય થવા માગતું હોય ત્યારે થઈ જશે. હું હવે વધારે કંઈ કહેવા માગતો નથી. શું ઈસરોને હજુ પણ આશા છે કે રોવર ફરીથી સક્રિય થશે તો તેમણે કહ્યું કે, “આશાવાદી બનવાનું કારણ છે. પોતાની “આશા”નું કારણ જણાવતાં સોમનાથે કહ્યું હતું કે આ મિશનમાં એક લેન્ડર અને રોવર સામેલ છે.

લેન્ડર એક વિશાળ માળખું હોવાથી તેની સંપૂર્ણ ચકાસણી થઈ શકી નથી. પરંતુ જ્યારે રોવરનું માઈનસ ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાને પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તે તેનાથી પણ ઓછા તાપમાને કાર્યરત હોવાનું જણાયું હતું. ઈસરો ચીફે સ્પષ્ટતા કરી હતી કે ચંદ્રયાન-૩ મિશનનો ઉદ્દેશ્ય પૂરો થઈ ગયો છે. તેમણે કહ્યું કે ઇસરો મિશન દ્વારા એકત્રિત કરવામાં આવેલા વૈજ્ઞાનિક ડેટાને શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *