કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સહકારીતા નિકાસ લીમીટેડની લોગો અને વેબસાઇટનું કર્યું લોકાર્પણ.
દિલ્હીમાં સહકારી નિકાસ પર રાષ્ટ્રીય પરિસંવાદમાં ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ઓર્ગેનિક ખેતીમાં ભારતને વિશ્વમાં મોખરે બનવાની વાત ઉચ્ચારી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે NCEL ના લોગો અને વેબસાઇટનું લોકાર્પણ કર્યું હતું. સંબોધન દરમિયાન અમિત શાહે પોતાના લક્ષ્ય અંગે વાત કરતા જણાવ્યું કે, કૃષિ નિકાસ વધારી ખેડૂતોને સમૃદ્ધ કરવા અને એ નિકાસનો લાભ સીધો ખેડૂતના ખાતામાં જાય એ અમારો લક્ષ્ય છે. વધુમાં તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૨૭ સુધી ૨ કરોડ થી વધારે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરશે અને સફળ અર્થતંત્ર માટે દેશની ૬૦% ગ્રામીણ વસ્તીની સમૃદ્ધિ અને રોજગાર જરૂરી છે, જે સહકારી મંડળીને મજબૂત કરવાથી જ શક્ય બનશે. એક દિવસીય પરિસંવાદમાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે શરુઆતના સંબોધનમાં કહ્યું હતું કે, ડેરી ક્ષેત્રમાં ભારતે મોટી છલાંગ લગાવી છે અને હાથશાળના કારીગર, કૃષિ અને સહકારીતા સાથે જોડાયેલા લોકો દેશની અર્થવ્યવસ્થાને આગળ વધારી રહ્યા છે.