નવરાત્રીના નવમા નોરતે રૂપાલ ગામમાં નીકળી વરદાયિની માતાની પલ્લી, દર્શનનો લ્હાવો લેવા ઊમટ્યા હજારો લોકો.
પાંડવ કાળથી શરૂ થયેલી વરદાયિની માતાની પલ્લીની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત છે. પ્રતિવર્ષ નવમા નોરતે વરદાયિની માતાજીની પલ્લી ભરાય છે. દર વર્ષે લાખોની મેદની વચ્ચે નીકળતી વરદાયિની માતાજીની પલ્લી આ વર્ષે પણ ગઈકાલે નવમા નોરતે કાઢવામાં આવી હતી. જેનાં દર્શનનો લ્હાવો લેવા હજારો લોકો ઊમટ્યા હતા. માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના ૨૭ ચોકમાંથી પસાર થઈ હતી. આ દરમિયાન લાખો લિટર ઘીનો અભિષેક કરાયો હતો. વહેલી સવાર થતાં જ રૂપાલ ગામના તમામ રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
ગઈકાલે નવમા નોરતે રાત્રે ઉનાવાના ઠાકોર સમાજના લોકો દ્વારા વરદાયિની માતાજીની પલ્લીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જે બાદ માતાજી દર્શન આપવા માચે નીકળા હતા. આ દરમિયાન હજારો લોકો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. તે ગામની તમામ ગલીઓમાં ઘીની ખાસ ટ્રોલી રાખવામાં આવી હતી. જે બાદ ભક્તો દ્વારા લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે જ્યારે રૂપાલ ગામમાં માતાજીની પલ્લી નીકળે છે ત્યારે ગામના લોકો ઘીનો અભિષેક કરતા નથી. બીજા દિવસે દશેરાએ પલ્લી મંદિરમાં મુકાયા બાદ તેઓ માતાજીને ઘી અર્પણ કરે છે.
દર વર્ષે આસો સુદ નૌમના દિવસે ગાંધીનગરના રૂપાલ ગામમાં આનંદ અને ઉત્સાહનો મહાસાગર ઉમટે છે. ગામના તમામ કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર ઉમંગથી માના કામમાં લાગી જાય છે. આ ઉત્સવ હોય છે માતાજીની પલ્લીનો. દેશભરમાં માતા વરદાયીનીની પલ્લી પ્રખ્યાત છે. આ પલ્લીમાં હજારો-લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. ધાર્મિક મહત્વની સાથે આ પલ્લી કોમી એખલાસના પણ દ્રશ્યો પાડે છે.
માતા વરદાયિની તમામ દુઃખ દર્દ દૂર કરનારી અને ભક્તોની મનોકામના પૂર્ણ કરનારી દેવી છે. માતા વરદાયિના સ્મરણ માત્રથી ભક્તોના તમામ કષ્ટનો સંહાર થઈ જાય છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આવેલું વરદાયિની માતાજીનું મંદિર અતિ પ્રાચીન અને અલૌકિક છે. કહેવાય છે કે અહીં માતાજી સૃષ્ટીના નિર્માણ સમયથી જ બિરાજમાન છે. આદ્યશક્તિના નવ સ્વરૂપો પૈકી દ્રીવતિય સ્વરૂપ બ્રહ્મચારીણી હંસાવાહીની સ્વરૂપે રૂપાલમાં માતા વરદાયિની બિરાજમાન છે.
પલ્લી સમગ્ર યાત્રા દરમિયાન 27 ચકલાઓ આગળ ઉભી રાખવામાં આવે છે જ્યાં લાખો ભક્તો ઘીનો અભિષેક કરે છે. સમગ્ર ગામમાં ફર્યા બાદ આરતી અને પૂજા અર્ચના બાદ પલ્લી પૂર્ણ થાય છે. આ પલ્લીના દર્શન માટે ન માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દેશ બહાર અમેરિકા, લંડનથી પણ ભાવિક ભક્તો ઉમટે છે.