અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર પર હુમલો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ ઉપર ટોળાએ કર્યો હુમલો, સારવાર અર્થે SVP હોસ્પિટલ ખાતે ખસેડાયા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પર હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ટોળાએ હુમલો કરતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે SVP હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે. તો સમગ્ર મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને તેમના ઘરમાં ઘૂસીને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં રખડતા ઢોરથી લઈને ગેરકાયદેસર દબાણોને ધ્યાનમાં રાખીને ખાસ રાત્રી ડ્રાઈવ શરૂ કરવાની સૂચના આપતા ગઈકાલે રાત્રે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ એસ્ટેટ વિભાગની ટીમ સાથે સિવિલ હોસ્પિટલ નજીક લારીઓના દબાણ દૂર કરાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન એક નોનવેજની લારી હટાવવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

ટોળું એકઠું થઈ ગયું હતું. ટોળાએ એસ્ટેટ વિભાગની ટીમ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટને ઘેરી લીધા હતા. આ દરમિયાન ટોળાએ કોર્પોરેશનની ટીમ પર હુમલો કર્યો હતો. જેમાં ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટને ખૂબ જ માર માર્યો હતો. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ લોહીલુહાણ થઈ ગયા હતા. જે બાદ વાતાવરણ ખૂબ જ તંગ બન્યું હતું.

હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રમ્ય ભટ્ટને સારવાર અર્થે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તો ઘટનાની જાણ થતાં શાહીબાગ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *