NCERT ચેરમેન: અમે ઈચ્છતા હતા કે આવનારી પેઢી ભારત નામ અને તેની સંસ્કૃતિ શીખે.
ઇન્ડિયા VS ભારત’ નામ પર ચાલતી ચર્ચા વચ્ચે NCERT કમિટીના ચેરમેનનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. પ્રોફેસર સીઆઈ ઈસાકે કહ્યું કે, ભારત નામ બાળકોમાં ગર્વની ભાવના પેદા કરે છે. આ કારણે અમે તમામ શાળાના અભ્યાસક્રમમાં ઇન્ડિયાને બદલે ભારત લખવાની ભલામણ કરી છે. થોડા દિવસ પહેલા જ NCERT પેનલે તમામ શાળાના પાઠ્યપુસ્તકોમાં ‘ઇન્ડિયા’ની બદલે ‘ભારત’ લખવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
પ્રોફેસર સીઆઈ ઈસાકે આ મુદ્દા પર થતા વિરોધના જવાબ આપતા કહ્યું કે, મદ્રાસનું નામ બદલીને ચેન્નાઈ અને ત્રિવેન્દ્રમનું નામ બદલીને તિરુવનંતપુરમ કરી દેવામાં આવ્યું છે ઉપરાંત તાજેતરમાં કેરળને કેરલમ કરવાની માંગ થઇ રહી છે તો એવામાં ઇન્ડિયાને ભારત કહેવામાં સમસ્યા શું છે? ભારત નામ લગભગ ૭,000 વર્ષ જૂનું છે. જ્યારે બાળકો આ સાંભળશે, ત્યારે તેઓ આપણા સમૃદ્ધ ઇતિહાસ અને વારસા પર ગર્વ અનુભવશે. તેની સરખામણીએ ઇન્ડિયા નામ માત્ર ૧૫૦ વર્ષ જૂનું છે.
અમે ઈચ્છતા હતા કે આવનારી પેઢી ભારત નામ શીખે : NCERT ચેરમેન
પ્રોફેસર ઈસાકે કહ્યું કે, ધોરણ ૭-૧૨ ના ધોરણથી સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તકોમાં ભારત નામ ભણાવવું જોઈએ. નવી શિક્ષણ નીતિની રચના બાદ સમિતિએ વિચાર્યું કે ભારત નામ વિદ્યાર્થીઓને શીખવવામાં આવે. ઉપરાંત તેમણે કહ્યું કે, અમે ઈચ્છતા હતા કે આવનારી પેઢી ભારત નામ શીખે.
NCERT દ્વારા ગઠિત સમિતિએ શાળાના અભ્યાસક્રમમાં ફેરફાર લાવવા માટે કેટલાક સૂચનો આપ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે હિંદુ યોદ્ધાઓની વિજય ગાથાઓને પણ અભ્યાસક્રમમાં સામેલ કરવી જોઈએ. જો કે NCERTએ સ્પષ્ટ કર્યું છે કે આ સૂચનો પર હાલ ટિપ્પણી કરવી ઉતાવળ હશે અને આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સી. આઈ. ઈસાક ની આગેવાની હેઠળની સમિતિએ શાળાના અભ્યાસક્રમમાં પ્રાચીન ઈતિહાસને બદલે શાસ્ત્રીય ઈતિહાસનો સમાવેશ કરવા તેમજ તમામ વિષયોમાં ભારતીય જ્ઞાન પ્રણાલીનો સમાવેશ કરવાનું સૂચન કર્યું હતું. પેનલના અધ્યક્ષ સી.આઈ. ઇસાકે વધુમાં કહ્યું હતું કે NCERT દ્વારા ગઠિત સમિતિએ સ્કૂલના પાઠ્યપુસ્તકોમાં INDIAને બદલે ભારત લખવાની ભલામણ કરી છે.