આંધ્રપ્રદેશ ટ્રેન દુર્ઘટનાનો મામલે રેલવે અધિકારીઓએ આ ઘટના પાછળ માનવીય ભૂલ હોવાની શક્યતા વ્યક્ત કરતા હવે આ દિશામાં કાર્યવાહીનો દોર લંબાવામાં આવશે.
આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં મોટી ટ્રેન દુર્ઘટના સામે આવતા અરેરાટી મચી છે. જેમાં બે ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર બાદ મોતનો ગોઝારો આંકડો વધી રહ્યો છે. જેમાં ૧૦ લોકો કાળનો કોળિયો બની ગયા છે જ્યારે ૨૫ ઘાયલ થતા રોકકળ મચી છે. કોઠાવલાસા બ્લોકમાં કંટકપલ્લીની વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર (ટ્રેન નં. ૦૮૫૩૨) સાથે અથડાયા બાદ વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર (ટ્રેન નંબર ૦૮૫૦૪)ના ડબ્બા પાટા નીચે ઉતરી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જ્યારે પેસેન્જર ટ્રેન ઊભી હતી ત્યારે પાછળથી બીજી પેસેન્જર ટ્રેને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો.
આ મોટી દુર્ઘટનાને લઈને પીએમ મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તેમજ રેલવે મંત્રી સાથે ફોનમાં વાત કરી સ્થિતિની સમીક્ષા કરી હતી, સાથે જ PMNRF માંથી મૃતકોના પરિજનોને ૨ લાખ તો ઘાયલોને ૫૦ હજારની સહાય રાશિની પણ જાહેર કરી હતી.
ડિવિઝનલ રેલવે મેનેજર સૌરભ પ્રસાદ ઘટનાસ્થળે દોડી ગયા હતા.વધુમાં રેલવે અધિકારીઓએ આ ઘટના પાછળ માનવીય ભૂલ હોવાની શક્યતા વ્યક્ત કરતા હવે આ દિશામાં કાર્યવાહીનો દોર લંબાવામાં આવશે.. એવી શક્યતા છે કે વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેને સિગ્નલની અવગણના કરી હતી, પરિણામે આ મોટી દુર્ઘટના બની છે. હાલ આ મામલે કોઇ સત્તાવાર કારણ સામે આવ્યું નથી.
દુર્ઘટનાની જાણ થતાંની સાથે જ રેસ્ક્યુ ટીમ મારતે ઘોડે સ્થળ પર જવા રવાના થઇ છે. જ્યા અટવાયેલ લોકોને મોતના મુખમાંથી ઉગારવાની કામગીરી હાથ ધરાશે. બીજી તરફ આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીએ પણ બચાવ કામગીરી ઝડપી બનાવવા અને શક્ય તેટલી વધુ એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવાનો નિર્દેશ આપ્યો છે.વાસ્તવમાં વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેન ઓવરહેડ કેબલ કપાઈ જવાને કારણે ઊભી હોવાનું જણાય રહ્યું છે.