ફોન હેકિંગના વિપક્ષના આરોપોને કેન્દ્ર સરકારે ફગાવ્યાં

વિપક્ષી નેતાઓના મોબાઈલમાં એપલના હેકિંગ એલર્ટ મામલે કેન્દ્ર સરકારે તપાસના આદેશ જારી કરી દીધા છે. કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મુજબની જાહેરાત કરી હતી.

કેન્દ્ર સરકારે મંગળવારે એપલ આઇફોન હેકિંગના વિપક્ષના દાવાઓને ફગાવી દીધા છે. કેન્દ્રીય આઇટી પ્રધાન અશ્વિન વૈષ્ણવે પણ કહ્યું હતું કે આરોપોની તપાસ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. અશ્વિન વૈષ્ણવે કહ્યું કે, કેટલાક સાથીઓએ એપલ એલર્ટ અંગે મેસેજ આપ્યા છે એટલે અમે કિસ્સામાં ઊંડે સુધી જવા માગીએ છીએ. અમારા કેટલાક ટીકાકારો એવા છે જે હંમેશાં ખોટા આક્ષેપો કરે છે. તેઓ દેશની પ્રગતિ ઇચ્છતા નથી. તેમણે કહ્યું કે એપલે અંદાજના આધારે મેસેજ મોકલ્યો છે. એપલે પોતાની સ્પષ્ટતા પણ આપી દીધી છે. તેમને (વિરોધ પક્ષોને) એક ટેવ છે કે જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ મુદ્દો ન હોય ત્યારે તેઓ કહે છે અમારી જાસૂસી કરાઈ છે. થોડા વર્ષો પહેલા પણ તેમણે પેગાસસ મામલે આવું જ કર્યું હતું ત્યારે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તેની તપાસ કરવામાં આવી, પરંતુ કંઇ બહાર આવ્યું નહીં. પ્રિયંકા ગાંધીએ એવો પણ દાવો કર્યો હતો કે તેમના બે બાળકોના ફોન હેક થયા હતા, પરંતુ કંઇ થયું નહીં.

વૈષ્ણવે જણાવ્યું કે એપલે ૧૫૦ દેશોમાં આ માહિતી જાહેર કરી છે. એપલ પાસે કોઈ માહિતી નથી. તેણે અંદાજના આધારે લોકોને આ એલર્ટ મોકલ્યું છે. આ વેગ છે અને તમે બધા જાણો છો કે એપલ દાવો કરે છે કે તેના ફોનને કોઈ પણ હેક કરી શકતું નથી. તે જ સમયે, થોડા સમય પહેલા એપલે તેનું સ્ટેન્ડ આપ્યું હતું કે એલર્ટ લોકો સુધી કેમ પહોંચ્યું છે. તેથી વિપક્ષ જેવો આક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તેવું કંઈ નથી.

વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aના નેતાઓના ફોન પર હેકિંગ એલર્ટનો મામલો ચગ્યો છે. વિપક્ષી નેતાઓનો દાવો છે કે તેમને મોબાઈલમાં એપલ તરફથી એલર્ટ આવ્યું હતું કે રાજ્ય પ્રાયોજિત હુમલાખોરો તમારા ફોન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વિપક્ષી નેતાઓના દાવા બાદ મોટો વિવાદ પેદા થયો હતો. પરંતુ આ કિસ્સામાં મોટો સવાલ એ છે કે વિપક્ષી નેતાઓના ફોન પર હેકિંગ અને ટેપિંગનું એલર્ટ ગયું કેવી રીતે? સહું કોઈ આ સવાલનો જવાબ શોધવાની કોશિશમાં છે ત્યારે હવે તેનો જવાબ મળી ગયો છે.

વિપક્ષના જે નેતાઓને હેકિંગનું એલર્ટ આવ્યું છે તેમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ મહુઆ મોઇત્રા, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા પ્રિયંકા ચતુર્વેદી, આપ નેતા રાઘવ ચઢ્ઢા, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસના નેતા પવન ખેરા અને તિરુવનંતપુરમ કોંગ્રેસના સાંસદ શશી થરૂર સામેલ છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ એવું કહ્યું કે ગઈકાલે રાત્રે મને મારા ફોન પર ચેતવણી મળી હતી, હું ૧૫-૨૦ વર્ષથી એપલનો ઉપયોગ કરું છું, આવો કોઈ મેઇલ ક્યારેય મળ્યો નથી. આ એક ગંભીર ચેતવણી હતી. તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે તે રાજ્ય પ્રાયોજિત હુમલાખોરો દ્વારા કરવામાં આવ્યું હતું, તે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ છે. તેમણે કહ્યું કે આજે સવારે, મને ખબર પડી કે ઘણા વિપક્ષી નેતાઓને આ સંદેશ મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *