ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને અરવિંદ કેજરીવાલના ED સમક્ષ હાજર ન થવા પર સવાલો ઉઠાવ્યા.
દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ED સમક્ષ હાજર થયા ન હતા. તેના બદલે તેમણે EDના સમન્સને ગેરકાયદેસર જાહેર કરતો પત્ર લખ્યો હતો. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને અરવિંદ કેજરીવાલના ED સમક્ષ હાજર ન થવા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તેઓ એજન્સીના સવાલોથી કેમ ભાગી રહ્યા છે? આ દરમિયાન સંબિત પાત્રાએ કહ્યું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ કટ્ટર ઈમાનદાર નથી, તેથી જ તેમને જામીન પણ મળતા નથી.
બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ અરવિંદ કેજરીવાલના ED સમક્ષ હાજર ન થવા પર અનેક સવાલો ઉઠાવ્યા છે. બીજેપી પ્રવક્તાએ કહ્યુ કે આજે અરવિંદ કેજરીવાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થવા માંગતા નથી અને એક પત્ર લખીને પૂછે છે કે તેમને કઈ હેસિયતથી બોલાવવામાં આવ્યા છે. હું આનો જવાબ આપું છું, EDએ તમને ભ્રષ્ટાચારનો સાગર અને ભ્રષ્ટાચારનો સ્ત્રોત માનીને બોલાવ્યા છે.
સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે જ્યારે સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દારૂના કૌભાંડમાં ૩૩૮ કરોડ રૂપિયાની મની ટ્રેલ સામે આવી છે તો જનતાને બતાવવું પડશે કે અરવિંદ કેજરીવાલની તપાસ કેમ ન થવી જોઇએ? ૩૩૮ કરોડ રૂપિયા ફક્ત એક શરૂઆતનો ભાગ છે, ભ્રષ્ટાચાર તેના કરતા ઘણો વધારે છે.
સંબિત પાત્રાએ મનીષ સિસોદિયાને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો. બીજેપી પ્રવક્તાએ કહ્યું કે 3 દિવસ પહેલા મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દેતી વખતે સુપ્રીમ કોર્ટે જે પ્રકારની ટિપ્પણીનો ઉપયોગ કર્યો હતો, તે રીતે સુપ્રીમ કોર્ટે સાબિત કર્યું છે કે લગભગ ૩૮૦ કરોડ રૂપિયાની મની ટ્રેલ સ્થાપિત થાય છે.