વિયેતનામમાં આજે વાયબ્રન્ટ ગુજરાત રોડ શૉ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ભારત-વિયેતનામ સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હતો. ફાર્માસ્યુટિકલ, સિરામિક્સ, લોજિસ્ટિક્સ, ઈલેક્ટ્રોનિક્સ, રિન્યુએબલ એનર્જી વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાંથી 60થી વધુ હાઇ-પ્રોફાઇલ પ્રતિનિધિઓની સહભાગિતા સાથે આ કાર્યક્રમે ગુજરાત અને વિયેતનામ વચ્ચેના સહયોગની સંભાવનાઓ દર્શાવી હતી.
આ કાર્યક્રમમાં હો ચિ મિન્હ શહેર માટેના ભારતના કોન્સ્યુલ જનરલ હીઝ એક્સલન્સી ડૉ. મદન મોહન સેઠીએ પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે વિયેતનામ અને ગુજરાત કેવી રીતે સહયોગ કરી શકે છે તેની મુખ્ય ભૂમિકાને સ્પષ્ટપણે રેખાંકિત કરી હતી. તેમણે કાર્યક્રમમાં સામેલ થયેલા સહભાગીઓને VGGS ૨૦૨૪ માં ભાગ લેવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.
આ સત્રમાં ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસના અગ્ર સચિવ અશ્વિની કુમાર (IAS) એ ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર થયેલા નોંધપાત્ર વિકાસ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. અશ્વિની કુમારે ગુજરાતમાં રહેલી રોકાણની વિશાળ તકોને હાઇલાઇટ કરી હતી, જે બિઝનેસ માટે રાજ્યની વાયબ્રન્ટ ઇકોસિસ્ટમને દર્શાવે છે. પ્રેઝન્ટેશનમાં ગુજરાતમાં રહેલી તકો અને રાજ્યમાં ઝડપથી ઉભરી રહેલા બે આર્થિક કેન્દ્રો – ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT સિટી) અને ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.
વિયેતનામમાં યોજાયેલા આ પ્રથમ રોડ શૉમાં INCHAM પણ ભાગીદાર તરીકે જોડાયું હતું અને ગુજરાતમાં બિઝનેસની તકો શોધવા અને રોકાણ કરવા માટે વિયેતનામના બિઝનેસોને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પ્રતિનિધિમંડળમાં સામેલ ઉદ્યોગ જગતના અગ્રણીઓએ પણ કાર્યક્રમના સહભાગીઓ સાથે વાતચીત કરી હતી. લુથરા ગ્રુપના ગિરીશ લુથરાએ ગુજરાતમાં બિઝનેસ ઇકોસિસ્ટમ પર પ્રકાશ પાડ્યો, જ્યારે રિલાયન્સ કંપનીના વિશ્વેશ અને અનિસ દેસાઈએ ગુજરાતમાં રિલાયન્સની સફર વિશે વાત કરી. જયાત્મા ગ્રુપના નીરવ શાહે ગુજરાત નીતિ આધારિત રાજ્ય છે અને કેવી રીતે સુશાસન રાજ્યના વિકાસમાં અગ્રેસર છે તેના પર ભાર મૂક્યો હતો. ધવલ ત્રિવેદીએ ગુજરાતમાં રોકાણની પ્રક્રિયા અને તેના રોકાણકારો માટે મૈત્રીપૂર્ણ અભિગમ વિશે વાત કરી અને તે અંગે ચર્ચા કરી.
રોડ શૉ બાદ વન-ટુ-વન બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત વિયેતનામ લોજિસ્ટિક્સ બિઝનેસ એસોસિએશન (VLA) સાથે મીટીંગથી કરવામાં આવી હતી, જેની અધ્યક્ષતા VLAના વાઇસ પ્રેસિડેન્ટ ડાંગ વુ થાન્હ દ્વારા કરવામાં આવી હતી, જેમાં સહભાગીઓએ ગુજરાત સાથે લોજિસ્ટિક ક્ષેત્રમાં જોડાવા માટે ખૂબ જ ઉત્સુકતા દર્શાવી હતી. ઉપરાંત, ગુજરાત અને તાઈવાન વચ્ચે રહેલી તકોને એક્સપ્લોર કરવા માટે TAITRAના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજાઈ હતી.