વિધાનસભા ચૂંટણીમાં ભાજપના જીતના ઉન્માદમાં સેન્સેક્સ અને નિફ્ટી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. બીએસઇની માર્કેટકેપ પણ વધીને ૩૪૩.૪૭ લાખ કરોડ રૂપિયા રેકોર્ડ હાઇ લેવલે પહોંચી હતી.

ભારતીય શેરબજારમાં ઐતિહાસિક ટોચ તરફ આગેકૂચ ચાલુ રહેતા સેન્સેક્સ અને નિફ્ટીએ નવું ઓલટાઇમ હાઇ લેવલ બનાવ્યું હતું. ૪ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ બેન્ચમાર્ક સેન્સેક્સે 68918 અને નિફ્ટીએ ૨૦૭૦૨ ની રેકોર્ડ હાઇ લેવલ બનાવી હતી. આજની તેજીનું કારણ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય છે. ભાજપની જીતના વધામણાં કરતા શેરબજાર નવી ઊંચાઇએ પહોંચ્યુ હતુ. આ સાથે જ રોકાણકારોને એક જ દિવસમાં ૫.૮ લાખ કરોડની કમાણી થઇ હતી.
સેન્સેક્સ ૧૩૮૩ પોઇન્ટ ઉછળી ૬૮૯૧૮ ની ઐતિહાસિક ટોચે

ભારતીય શેરબજારમાં સોમવારે ઓપનિંગથી લઇ ક્લોઝિંગ સુધી તેજીનો માહોલ હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ ૬૭૪૮૧ ના અગાઉના બંધ સામે સોમવારે ૯૫૪ પોઇન્ટના ઉછાળે ૬૮૪૩૫ ખુલ્યો હતો. સેશન દરમિયાન ૧૪૩૭ પોઇન્ટની તેજીમાં ૬૮૯૧૮ નું ઓલટાઇમ હાઇ લેવલ બનાવ્યુ હતુ. જે શેરબજારની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી છે. કામકાજના અંતે સેન્સેક્સ ૧૩૮૪ પોઇન્ટની તેજીમાં ૬૮૮૬૫ બંધ થયો હતો. તો ટકાવારીની રીતે બજાર ૨.૦૫ ટકા વધ્યુ હતું. આમ સેન્સેક્સે ઇન્ટ્રા-ડે અને બંધની રીતે ઐતિહાસિક ઉંચી સપાટી બનાવી હતી.

એનએસએ નિફ્ટી બેન્ચમાર્કે પણ સતત બીજા સેશનમાં સર્વોચ્ચ સપાટી બનાવી હતી. નિફ્ટી આગલા બંધથી ઉંચા ગેપમાં ૨૦૬૦૨ ખુલીને ૨૦૭૦૨ ની ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ સપાટી બનાવી હતી. કામકાજના અંતે નિફ્ટી ૪૧૯ પોઇન્ટ ઉછાળી ૨૦૬૮૭ ના ઓલટાઇમ હાઇ લેવલ બંધ થયો હતો. ટકાવારીની રીતે બેન્ચમાર્ક નિફ્ટી ૨.૦૭ ટકા વધ્યો હતો.
સેન્સેક્સના ૩૦ માંથી ૨૮ શેર વધ્યા

શેર બજાર ના બેન્ચમાર્ક સેન્સેક્સના બ્લુચીપ 30 શેરમાંથી માત્ર બે સ્ટોક – ટાટા મોટર્સ અને વિપ્રો સાધારણ ડાઉન હતા. ટોપ- ૫ ગેઇનરમાં આઈસીઆઇસીઆઈ બેંક ૪.૭ ટકા, એસબીઆઈ ૪ ટકા, લાર્સન ૩.૯ ટકા, કોટક બેંક ૩.૮ ટકા અને ઇન્ડસઇન્ડ બેંક ૩.૬ ટકા વધ્યો હતો. તો નિફ્ટી ૫૦ ઇન્ડેક્સના ૫૦ માંથી ૬ શેર નરમ હતા. તો બીએસઇના મીડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૧.૨ ટકા વધ્યા હતા. તો બેંક નિફ્ટી પણ ૧૩૫૭ પોઇન્ટ ઉછળીને ૪૬૧૭૧ થયો હતો.