ટૂંક સમયમાં આ ચક્રવાત બાપટલા પાસે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે. ચક્રવાત ‘મિચોંગ’એ ચેન્નાઈમાં ભારે તબાહી મચાવી છે. જેના કારણે ભારે વરસાદ થયો હતો અને અત્યાર સુધીમાં ૮ લોકોના મોત થયા છે.
ચક્રવાત ‘મિચોંગ’ ચેન્નાઈમાં તબાહી મચાવ્યા બાદ આંધ્રપ્રદેશમાં ત્રાટકશે. ટૂંક સમયમાં આ ચક્રવાત બાપટલા પાસે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે. ચક્રવાત ‘મિચોંગ’એ ચેન્નાઈમાં ભારે તબાહી મચાવી છે. જેના કારણે ભારે વરસાદ થયો હતો અને અત્યાર સુધીમાં ૮ લોકોના મોત થયા છે.
૮ જિલ્લામાં એલર્ટ જારી
આંધ્ર પ્રદેશ સરકારે આઠ જિલ્લાઓ (તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા અને કાકીનાડા) માટે એલર્ટ જાહેર કર્યું છે. પુડુચેરીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. ત્યાં સાંજે ૬ વાગ્યા સુધી અવરજવર પર પ્રતિબંધ છે.
મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ અધિકારીઓને કહ્યું કે વાવાઝોડાને એક મોટી આફત ગણો. મિચોંગના કારણે ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જગન મોહન રેડ્ડીએ જણાવ્યું હતું કે ચક્રવાતથી પ્રભાવિત દરેક જિલ્લાઓને બચાવ અને રાહત કામગીરી માટે રૂ. ૨ કરોડ ફાળવવામાં આવ્યા હતા. તેમજ ખાસ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને રહેવા માટે ૩૦૦ થી વધુ રાહત શિબિરો તૈયાર કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીના મુખ્ય પ્રધાનો સાથે વાત કરી અને તેમને કેન્દ્ર તરફથી તમામ જરૂરી મદદની ખાતરી આપી. અમિત શાહે કહ્યું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનોની પર્યાપ્ત તૈનાત પહેલેથી જ કરવામાં આવી છે અને વધારાની ટીમો પણ મદદ માટે તૈયાર છે.