૧ ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટમાં કોઈ મોટી જાહેરાત નહીં થાય

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ૧ ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે નહીં. આ વોટ ઓન એકાઉન્ટ બજેટ હશે જે લોકસભા ચૂંટણી પહેલા આવશે.

ડિસેમ્બર પૂરો થવાનો છે અને તેની સાથે વર્ષ ૨૦૨૩ પણ. દર વખતની જેમ નવા વર્ષમાં ૧ લી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. જો તમે કેન્દ્રીય બજેટ ૨૦૨૪ માં કોઈ મોટી જાહેરાતની રાહ જોઈ રહ્યા છો, તો તમે નિરાશ થશો. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે ( ૭ ડિસેમ્બર ૨૦૨૩ ) જણાવ્યું હતું કે ૧ ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે આ વોટ ઓન એકાઉન્ટ બજેટ હશે જે લોકસભા ચૂંટણી પહેલા આવશે.

નાણામંત્રીએ કહ્યું, ‘એ વાત સાચી છે કે ૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ આવનાર બજેટ એક વોટ ઓન એકાઉન્ટ હશે કારણ કે અમે ઇલેક્શન મોડમાં એટલે કે ચૂંટણીની તૈયારીઓમાં છીએ. તેથી સરકાર જે બજેટ રજૂ કરશે તે નવી સરકારની રચના પહેલા તમામ સરકારી ખર્ચને પહોંચી વળવા માટે જ રજૂ કરવામાં આવશે.

સીઆઈઆઈ ગ્લોબલ ઈકોનોમિક પોલિસી ફોરમને સંબોધિત કરતા સીતારમણે કહ્યું કે બજેટના સમયે દેશ ૨૦૨૪ માં યોજાનારી સામાન્ય ચૂંટણીની તૈયારી કરી રહ્યો હશે.

નાણામંત્રીએ કહ્યું, ‘વોટ ઓન એકાઉન્ટ બજેટના સમયે કોઈ મોટી જાહેરાત કરવામાં આવતી નથી. તેથી, તમારે નવી સરકારની રચના અને જુલાઈ ૨૦૨૪ માં સંપૂર્ણ બજેટ રજૂ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.

૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ, નિર્મલા સીતારમણ લોકસભામાં ૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષ માટે વચગાળાનું બજેટ રજૂ કરશે. ભારતમાં નવું નાણાકીય વર્ષ ૧ એપ્રિલ ૨૦૨૪ થી શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *