આજે થશે રાજસ્થાનના નવા સીએમ ના નામનું એલાન?

ભાજપ તરફથી મુખ્યમંત્રીની ઘોષણાના આ વિલંબનું કારણ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં તેના ગણિત વિશે જાણવાનું છે. પાર્ટી રાજસ્થાનમાં એક સીએમ સાથે બે ડેપ્યુટી સીએમ પણ બનાવી શકે છે.

ચૂંટણી પરિણામો આવ્યાના એક અઠવાડિયા પછી પણ ભાજપ નક્કી નથી કરી શકી કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી કોણ બનશે. મુખ્યમંત્રીનું નામ નક્કી કર્યા બાદ પાર્ટીની અંદર કોઈપણ પ્રકારના જૂથવાદને કારણે થતા નુકસાનને ટાળવાના ઈરાદાથી ભાજપ સમજી વિચારીને નિર્ણય લેવા માંગે છે. આ સાથે જ એમ પણ કહેવાય રહ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પણ આ વિલંબનું મોટું કારણ હોય શકે છે.

એક સીએમ, બે ડેપ્યુટી સીએમ અને સ્પીકર પદ પર દલિત મહિલા 

રાજનીતિની ગલીઓમાં એવી ચર્ચા છે કે ભાજપ તરફથી મુખ્યમંત્રીના નામની ઘોષણાના આ વિલંબનું એક કારણ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સામાજિક અને રાજકીય ગણિત વિશે જાણવાનું પણ છે. એવામાં પાર્ટી રાજસ્થાનમાં મુખ્યમંત્રીની સાથે બે નાયબ મુખ્યમંત્રી એટલે કે ડેપ્યુટી સીએમ પણ બનાવી શકે છે. હવે અંહિયા ગણિત વિશે વાત કરીએ તો આ ત્રણેય પદો પર રાજપૂત, બ્રાહ્મણ, મીણા અને જાટ સમુદાયના નેતાઓની નિમણૂક કરીને આ સમુદાયોને ભાજપ સાથે જોડાયેલા રાખી શકે છે. આ સાથે જ પાર્ટી સ્પીકર તરીકે કોઈ દલિત મહિલા ધારાસભ્યને તક આપીને આ વર્ગને રીઝવવાના પ્રયાસો પણ કરી શકે છે.

કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી બાદ નામ જાહેર કરવામાં આવશે 

કહેવાય રહ્યું છે કે આ બધા પાછળ ભાજપનો ઇરાદો એવો છે કે પાર્ટી ૨૦૨૪ ની લોકસભા ચૂંટણી પહેલા આ બધા જ સમુદાયોના લોકોને મહત્વપૂર્ણ પદો પર બેસાડીને આવનાર ચૂંટણીમાં એમના વોટ મેળવી શકે. આ સાથે જ એવી પણ વાત ચાલી રહી છે કે ભાજપના નેતાઓ આ વ્યૂહરચના અંગે ચર્ચા કરી રહ્યા છે અને કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી બાદ જ તેને આગળ વધારવામાં આવશે. એકવાર મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ જાય પછી નાયબ મુખ્યમંત્રી અને સ્પીકરને લઈને આ રણનીતિને આગળ વધારી શકાય છે.

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના સમયથી ભાજપ પર વિવિધ જ્ઞાતિના આગેવાનો દ્વારા તેમના સમુદાયમાંથી આવતા નેતાઓને તેમની જ્ઞાતિ-સમુદાયની સંખ્યા અનુસાર ઉમેદવાર બનાવવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું. હવે પરિણામો બાદ પણ આ દબાણ યથાવત છે. આગામી લોકસભાની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં મળેલી આ બમ્પર જીતનો લાભ લેવા માટે ભાજપ પણ તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *