ભાજપે બધાને ચોંકાવતા ઓબીસી મુખ્યમંત્રી તરીકે મોહન યાદવની પસંદગી કરી છે, આ નામ જાહેર થશે તેવી કોઇને આશા ન હતી, ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર સિંહ તોમરને વિધાનસભા અધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવી.
ભાજપ આખરે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દીધી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે મોહન યાદવની વરણી કરવામાં આવી છે. ભાજપ પાર્ટીએ આ વખતે સીએમનો ચહેરો જાહેર કર્યા વિના જ ચૂંટણી લડી હતી. ભોપાલમાં ભાજપ વિધાયક દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રીની રેસમાં શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ પટેલ, કૈલાશ વિજયવર્ગીય, જ્યોતિરાદિત્ય સિંધિયા, વીડી શર્મા પણ હતા. જોકે ભાજપે બધાને ચોંકાવતા ઓબીસી મુખ્યમંત્રી તરીકે મોહન યાદવની પસંદગી કરી છે.
ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવના નામ પર સહમતિ બની છે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. મોહન યાદવ આરએસએસના નજીકના હોવાનું કહેવાય છે. જાણકારી મુજબ શિવરાજ સિંહ ચૌહાણે ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. આ જાહેરાત સાથે જ તમામ અટકળોનો અંત આવી ગયો છે. હવે રાજ્યની કમાન મોહન યાદવના હાથમાં રહેશે.
છત્તીસગઢની જેમ મધ્ય પ્રદેશમાં પણ બે ડેપ્યુટી સીએમ બનશે. આ જવાબદારી જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લાને સોંપવામાં આવી છે. આ સાથે જ ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર સિંહ તોમરને વિધાનસભા અધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવી છે.