ગાઝાપટ્ટી પર ઈઝરાયેલ નવી ટેકનોલોજીથી તૂટી પડયું છે અનેક સ્થળોએ AI થી હુમલા કરે છે પોતાના સૈનિકોને આરામ આપે છે.
ગાઝાપટ્ટી પર ઈઝરાયલ નવી ટેકનિક સાથે હમાસ આતંકીઓ ઉપર તૂટી પડયું છે. અનેક સ્થળોએ આર્ટિફિશ્યલ ઈન્ટેલિઝન્સ ટૂલ્સની મદદથી હમાસનાં ગુપ્ત સ્થળોને ટાર્ગેટ કરે છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ રવિવારે સાંજે હમાસના કાર્યકર્તાઓને આખરી વિકલ્પ આપતાં કહ્યું કે, ‘તમે મારી સમક્ષ આત્મ સમર્પણ કરો નહીં તો પેલેસ્ટાઇની આતંકીઓ તમારો અંત નજીક છે.’
નેતન્યાહૂએ આ વિધાનો એટલા માટે કર્યા હતા કે જ્યારે હમાસે ઈઝરાયલને ખુલ્લી ધમકી આપતાં કહ્યું હતું કે, ‘અમારી શર્તો માનો નહીં તો એક પણ બંધક અમારી પાસેથી જીવતા નહીં મેળવી શકો.’
ઈઝરાયલ અને હમાસ વચ્ચે બે મહિનાથી પણ વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, તે બંધ થવાનું નામ લેતું નથી. હજ્જારોની કત્લ-એ-આમ થઈ ગઈ છે, ખૂન-ખરાબા થઈ રહ્યાં છે, છતાં ન તો હમાસ ઘૂંટણે પડે છે કે ન તો ઈઝરાયલી સેના પાછી હઠે છે. આ નરસંહારથી દુનિયાભરમાં ચિંતા ફેલાઈ રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)નો રીપોર્ટ જણાવે છે કે ૧૦માંથી ૯ પેલેસ્ટાઇનીઓને ભરપેટ ભોજન મળતું નથી. આ ઘણી ચિંતાજનક બાબત છે. હજી સુધીમાં ગાઝાપટ્ટીમાં ૧૭ હજારથી વધુનાં મોત થયા છે. આ પૈકી માત્ર ગાઝા શહેરમાં જ ૧૬ હજારથી વધુનાં મોત થયા છે. જેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો સામેલ છે.
દરમિયાન નેતન્યાહૂએ કહ્યું છે કે યુદ્ધ હજી ચાલુ જ છે, પરંતુ તે હમાસના અંતનો પ્રારંભ છે. હું હમાસના આતંકવાદીઓને કહેવા માગું છું કે, ‘યાહ્યા સિતવાર માટે મરવાનું બંધ કરો હવે આત્મ સમર્પણ કરો.’ સિતવાર ગાઝાપટ્ટીમાં હમાસના પ્રમુખ છે. આ સાથે ઈઝરાયલી વડાપ્રધાને કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં હમાસના ડઝનબંધ આતંકીઓએ અમારી સેના સમક્ષ આત્મ સમર્પણ કર્યું છે.
જોકે ઈઝરાયલી સેનાએ આત્મ સમર્પણ સંબંધે કરેલી જાહેરાતને માટે કોઈ સાબિતી મળી નથી. હમાસે તે દાવાને ફગાવી દીધો છે. ઈઝરાયલી સંરક્ષણ પ્રધાન યોવ-ગૈબન્ટે એક મહિના પહેલા કહ્યું હતું કે, ‘હમાસે ગાઝા પરથી કાબુ ગુમાવી દીધો છે.’
એક તરફ નેતન્યાહૂએ રવિવારે હમાસને આત્મ સમર્પણ કરવા આખરી વિકલ્પ આપ્યો છે. આ સામે હમાસે કહ્યું છે કે, ‘અમારી તમામ શર્તો સ્વીકારો નહીં તો એક પણ બંધક જીવતો નહીં મેળવો.’