સંસદમાં શિયાળુ સત્રના ૯ મા દિવસે વિપક્ષી સાંસદોનો બંને ગૃહોમાં હોબાળો.
સંસદમાં હાલ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે જેનો આજે ૯ મો દિવસ છે ત્યારે વિપક્ષી સાંસદોએ ગૃહની કાર્યવાહી શરુ થતાંની સાથે જ ગઈકાલે સંસદની સુરક્ષામાં ચુક થવાના મામલે હોબાળો શરુ કર્યો હતો. આ દરમિયાન TMCના રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ’બ્રાયન સંસદના પુરા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સંસદની સુરક્ષામાં ચુકને લઈને આજે બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો અને રાજ્યસભામાં વિપક્ષના સભ્યો સતત આક્રમક વલણ અપનાવી રહ્યા હતા ત્યારે ડેરેક ઓ’બ્રાયન સંસદમાં સુરક્ષામાં ચુકને લઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરતા-કરતા તેઓ વેલમાં આવી ઘૂસી ગયા હતા. આ પછી રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને ગુસ્સે થયા હતા અને ડેરેક ઓ’બ્રાયનને તાત્કાલિક સદન છોડવાનું કહ્યું હતું. આ પછી અધ્યક્ષે તેમને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા હતા. તેમની સામે નિયમ ૨૫૬ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું હતું કે ડેરેક ઓ બ્રાયન સૂત્રોચ્ચાર કરતા-કરતા વેલમાં આવી ગયા હતા અને તેમણે ગૃહની કાર્યવાહીમાં પણ ખલેલ પહોંચાડી હતી. ડેરેક ઓ’બ્રાયન ઉપરાંત અન્ય વિપક્ષી સાંસદોને પણ અધ્યક્ષ દ્વારા સુત્રોચ્ચાર અંગે ચેતવણી આપવામાં આવી હતી. જોકે અધ્યક્ષની વાત સાંભળવા કોઈ તૈયાર નહોતું. હાલમાં રાજ્યસભા સ્થગિત કરવામાં આવી છે. સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, જે ૪ ડિસેમ્બરથી શરૂ થયુ હતું અને ૨૨ ડિસેમ્બર સુધી ચાલશે.