સેન્સેક્સ ૭૦૫૪૦.૦૦ ની સપાટીને સ્પર્શી ગયો, નિફ્ટી ૨૧૧૮૯.૫૫ ના લેવલને સ્પર્શી ગઈ.
શેરબજારમાં છેલ્લાં કેટલાક સમયથી જોરદાર બુલ રનનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સેન્સેક્સમાં આજે ૯૫૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. ગઈકાલની વાત કરીએ તો સેન્સેક્સ ૬૯૫૮૪.૬૦ પર બંધ થયો હતો. જ્યારે આજે તે ૭૦૫૪૦.૦૦ ની સપાટીને સ્પર્શી ગયો હતો. આ તેનો નવો ઓલટાઈમ હાઈ લેવલ છે.
જ્યારે નિફ્ટીમાં પણ આજે જોરદાર ઉછાળો આવ્યો હતો. જે ગઈકાલે ૨૦૯૨૬.૩૫ પોઈન્ટ પર બંધ થઈ હતી તે આજે ૨૧૧૮૯.૫૫ ના લેવલને સ્પર્શી ગઈ હતી. તેની પણ આ નવી ઓલટાઈમ હાઈ સપાટી છે.
અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોને યથાવત્ રાખવાનો નિર્ણય કરવામાં આવતાં બજારમાં ફરી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તેજી વિશ્વભરના માર્કેટમાં જોવા મળી રહી છે. ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ આ નિર્ણયની અસર જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં વ્યાજદરો ૨૨ વર્ષના ટોચના સ્તરે છે. કેન્દ્રીય બેન્કોના બેન્કરોએ પણ સંકેત આપ્યા હતા કે આગામી વર્ષે તેમાં ઘટાડો થશે. જે દુનિયાભરના શેરબજારો માટે રાહતની વાત મનાઈ રહી છે. બુધવારે પણ ફેડરલ રિઝર્વે વ્યાજદરોમાં કોઈ ફેરફાર ન કરવાની જાહેરાત કરી હતી.