સંસદ સ્મોક એટેકના માસ્ટર માઈન્ડ ગણાતા લલિત ઝા અને હુમલા અગાઉ શું બન્યું તેને લઈને પણ નવા ખુલાસા સામે આવ્યાં છે.
સંસદ સ્મોક એટેકના માસ્ટર માઈન્ડનું નામ સામે આવ્યું છે. મૂળ બંગાળના લલિત ઝા નામના એનજીઓના કાર્યકરે તેના 5 દોસ્તો સાથે મળીને આખું કાવતરું ઘડ્યું હતું અને હુમલા માટે ૧૩ ડિસેમ્બરનો દિવસ પણ તેણે નક્કી કર્યો હતો. હુમલાના દિવસ ૧૩ ડિસેમ્બરે શું બન્યું હતું તેને લઈને હવે મોટું અપડેટ સામે આવ્યું છે. લલિત ઝાએ હુમલા પહેલા ગુરુગ્રામમાં તેના ઘેર આરોપીઓ દોસ્તોની બેઠક બોલાવી હતી અને તેમને જરુરી સૂચનાઓ આપી હતી અને બધાના ફોન લઈ લીધા હતા અને પછી ભાગી ગયો હતો.
માસ્ટર માઈન્ડ કહેવાતા લલિત ઝાએ ગુરુગ્રામમાં બધા મિત્રોની બેઠક બોલાવી હતી. દિલ્હી પોલીસના સિનિયર અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે “લલિત ઝાએ બધાને ગુરુગ્રામમાં મીટિંગ માટે બોલાવ્યા હતા. ઘટનાને અંજામ આપતા પહેલા લલિતે પોતે ચાર આરોપીઓના ફોન કબજે કરી લીધા હતા અને તે લઈને ભાગી ગયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી લલિત ઝા છેલ્લે રાજસ્થાનના નીમરાણામાં દેખાયો હતો પરંતુ પોલીસ પહોંચે તે પહેલા ભાગી ગયો હતો. પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ફરાર આરોપી ચારેય આરોપીઓના મોબાઈલ ફોનમાંથી પુરાવા ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહ્યો હોઈ શકે છે જે તેણે અગાઉ તેની સાથે લઈ ગયો હતો.