માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન સતત ચોથા દિવસે સ્થિર બિંદુ એટલે કે 0 ડિગ્રી પર રહ્યું છે.
ઉત્તર ભારતમાં બરફવર્ષાની શરૂઆત થતા રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યના 15થી વધુ શહેરોમાં આજે લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે રહ્યું હતું. કચ્છ જિલ્લાનું નલિયા ૧૦.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું..આ ઉપરાંત અમદાવાદમાં ૧૬ ડિગ્રી, ભૂજમાં ૧૪ ડિગ્રી, રાજકોટમાં ૧૪.૫ ડિગ્રી, વડોદરામાં ૧૬.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પર્વતીય રાજ્યો (જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ)માં ૧૬ થી ૧૮ ડિસેમ્બર સુધી હિમવર્ષા થશે. આ સિસ્ટમ ૧૮ મીએ આગળ વધશે અને ૧૯ – ૨૦ મી ડિસેમ્બરથી ઉત્તર ભારતમાંથી બર્ફીલા પવનો ફૂંકાશે. આ ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થશે અને પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાનની સાથે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ અને ગુજરાતના ઉત્તરીય ભાગોમાં શિયાળો વધશે.
રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ઠંડીએ હાહાકાર મચાવ્યો છે જ્યારે કેટલાક જિલ્લાઓમાં ઠંડી હજુ પણ સ્થિર છે. પર્વતીય પર્યટન વિસ્તાર માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન સતત ચોથા દિવસે સ્થિર બિંદુ એટલે કે 0 ડિગ્રી પર રહ્યું છે. આજે રાજસ્થાનના ૧૪ શહેરોમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં રહ્યું છે. માઉન્ટ આબુ ઉપરાંત, તેમાં ભીલવાડા, અલવર, પિલાની, સીકર, ઉદયપુર, બરાન, સિરોહી, ફતેહપુર, કરૌલી, જેસલમેર, ચુરુ, ગંગાનગર, હનુમાનગઢ અને જાલોરનો સમાવેશ થાય છે.