શ્રેષ્ઠ કામગીરી કરનાર રેલવે કર્મચારીઓને પુરસ્કાર/શિલ્ડ એનાયત કરવામાં આવશે.
કેન્દ્રીય રેલવે, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે નવી દિલ્હીના ભારત મંડપમમાં ૬૮ માં રાષ્ટ્રીય રેલવે પુરસ્કાર એનાયત કરશે. રેલવે કર્મચારીઓ વચ્ચે શ્રેષ્ઠ કામગીરીને પ્રોત્સાહન આપવા બદલ, ૬૮ માં રેલવે સપ્તાહનાં કેન્દ્રીય કાર્યક્રમ અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર ૨૦૨૩ માં શ્રેષ્ઠ કામગીરી કરનાર રેલવે કર્મચારીઓને પુરસ્કાર/શિલ્ડ એનાયત કરવામાં આવશે.
ચોક્કસ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી માટે ઝોનલ રેલવે/પીએસયુને શિલ્ડ પણ પ્રસ્તુત કરવામાં આવશે. આ પ્રસંગે રેલવે, કોલસા અને ખાણ રાજ્યમંત્રી રાવસાહેબ પાટીલ દાનવે તથા રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શના જરદોશ અતિથિ વિશેષ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે રેલવે બોર્ડના ચેરમેન અને સીઈઓ અને સભ્યો, તમામ ઝોનલ રેલવેના જનરલ મેનેજર્સ અને રેલવેના ઉત્પાદન એકમોના વડાઓ અને રેલવેની પીએસયુ પણ ઉપસ્થિત રહેશે.
સમગ્ર દેશમાં વિવિધ ઝોનલ રેલવે, ઉત્પાદન એકમો અને રેલવે પીએસયુના કુલ મળીને ૧૦૦ રેલવે કર્મચારીઓને ૨૧ શિલ્ડની સાથે તેમની ઉત્કૃષ્ટ સેવાઓ માટે પુરસ્કૃત કરવામાં આવશે. દર વર્ષે ૧૬-૪-૧૮૫૩ ના રોજ ભારતમાં પ્રથમ ટ્રેન દોડાવવાની યાદમાં ૧૦ થી ૧૬ એપ્રિલ સુધી રેલવે સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. રેલવે સપ્તાહ દરમિયાન સમગ્ર ભારતીય રેલવેમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.