કુમારસ્વામીએ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પછી કંઈ પણ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં જે બન્યું એવું જ કંઈક અહીં પણ થઈ શકે છે. પક્ષ પ્રત્યે કોઈ પ્રમાણિક કે પ્રતિબદ્ધ નથી.
જનતા દળ સેક્યુલર એટલે કે, JDS ના નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ સત્તાધારી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે સાથો સાથ એક મોટી ભવિષ્યવાણી પણ કરી છે. લોકસભા ચૂંટણી બાદ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર પડી જશે તેવો દાવો કરતાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના એક ટોચના મંત્રીની કેન્દ્રમાં ભાજપના નેતાઓ સાથે વાતચીત ચાલી રહી છે અને તેઓ લોકસભા પછી કેટલાક ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાશે. કુમારસ્વામીએ કહ્યું હતું કે, તેમની પાસે માહિતી છે કે કોંગ્રેસના એક મંત્રીએ કેન્દ્રમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કર્યા બાદ ખાતરી આપી છે કે લોકસભા ચૂંટણી પછી તેઓ ૫૦ ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાશે. તેમણે છ મહિનાનો સમય માંગ્યો છે જેથી તે પોતાની સાથે ૫૦ કે ૬૦ ધારાસભ્યો પક્ષ પલટો કરાવી શકે. જોકે, તેમણે કોંગ્રેસના મંત્રીનું નામ જાહેર કર્યું ન હતું.
કુમારસ્વામીએ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પછી કંઈ પણ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં જે બન્યું એવું જ કંઈક અહીં પણ થઈ શકે છે. પક્ષ પ્રત્યે કોઈ પ્રમાણિક કે પ્રતિબદ્ધ નથી. નેતાઓ તેમના અંગત ફાયદાને પ્રાધાન્ય આપશે. રાજકારણમાં આવું હંમેશા ચાલતું આવ્યું છે. સામાજિક-આર્થિક સર્વેનો ઉલ્લેખ કરતાં કુમારસ્વામીએ કહ્યું, મુખ્યમંત્રી જાતિ ગણતરીના નામે લોકોને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અલ્પસંખ્યકોના વિકાસ માટે ૧૦,૦૦૦ કરોડના મુખ્યમંત્રીના આશ્વાસનની પણ ટીકા કરતા કુમારસ્વામીએ કહ્યું કે,તેઓ મુસ્લિમો માટે ભંડોળ પૂરું પાડવાની વિરુદ્ધ નથી, પરંતુ હિન્દુઓનું શું? બધા હિન્દુઓ ઉચ્ચ જાતિના નથી, દલિતો અને ગરીબો પણ છે તેમનો શું?