પાકિસ્તાનના અનેક શહેરોમાં ઈન્ટરનેટ બંધ થયું, હાલ દાઉદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી-કંપની ચીફ દાઉદ ઈબ્રાહિમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પાકિસ્તામાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે દાઉદને અજ્ઞાત વ્યક્તિ દ્વારા ઝેર આપવામાં આવ્યું છે, જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. હાલ પાકિસ્તાના અનેક શહેરોમાં ઈન્ટરનેટ બંધ થયું છે.
૧૯૯૩ ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટના ગુનેગાર અને વોન્ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનના કરાચીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મીડિયાના રિપોટ્સમાં કહેવામાં આવ્યું છે કે દાઉદને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જો કે હજુ સુધી આ સમાચારની કોઈએ પુષ્ટિ કરી નથી. હાલ દાઉદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દાઉદને કડક સુરક્ષા વચ્ચે હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે તેમજ એવુ કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં દાઉદને દાખલ કરાયો છે તે ફ્લોર પર ફક્ત હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીઓ અને પરિવારના સભ્યોને જ અહીં આવવાની મંજૂરી આપવામાં આવી છે.
પાકિસ્તાનના મીડિયામાંથી મળતા અહેવાલ અનુસાર ઈસ્લાબાદ, કરાચી અને લાહોર સહિત અનેક શહેરોમાં ઈન્ટરનેટ કામ કરતું ન હોવાની ફરિયાદો ઉઠી છે તો બીજી તરફ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ યુટ્યુબ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સેસ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. જો કે હજુ સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. હાલ ઈન્ટરનેટ બંધ થવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પાકિસ્તાનમાં કેટલાક લોકોનું કહેવુ છે કે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર દાઉદ ઈબ્રાહિમને લઈને ઘણી અફ્વાઓ ચાલી રહી હતી જેને લઈને ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યુ છે.