ગુજરાત રાજ્યમાં આગામી ૨૪ કલાક રહેશે વાદળછાયું વાતાવરણ, શું આ વાદળો વરસશે? પારો ગગડશે કે હવામાન યથાવત રહશે? જાણો આગામી સાત દિવસની આગાહી
અમદાવાદ: રાજ્યમાં ઉતર-પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. સાથે જ ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. પવન સાથે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. આવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં આગામી સાત દિવસ દરમિયાન રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યના તાપમાનમાં ફેરફાર અને વરસાદની શક્યતા અંગે પણ જણાવવામાં આવ્યું છે. જાણો, આગામી સાત દિવસની આગાહી.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી પાંચ-સાત દિવસ ગુજરાતમાં મોટાભાગે સૂકુ વાતાવરણ રહેવાની સંભાવના છે. વરસાદ પડવાની વધારે સંભાવના નથી. જોકે, આગામી ૨૪ કલાક દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે.
સાથે તાપમાનમાં ફેરફાર અંગે તેમણે જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ દરમિયાન કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. અત્યાર જેટલું તાપમાન છે તેટલું જ જોવા મળી શકે છે.
બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, ૨૨ મી તારીખ સુધી પવનની ગતિ વધીને ૧૬-૨૦ kmph રહેશે.હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, ઉત્તર ભારતમાં પર્વતિય પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી છે અને તેના કારણે રાજ્યમાં ઠંડી અનુભવાઈ રહી છે. જે ઠંડીની શરુઆત ગુજરાતમાં પડે છે તેની મોડી શરુઆત થઈ છે.