બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. આ હોસ્પિટલમાં શરદી, ખાંસી સહિત વાયરલ ફ્લ્યુના દૈનિક ૧૦૦૦ કેસ નોંધાઈ રહ્યા છે.
હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ ઠંડી પડી રહી છે. જેના કારણે ઠંડીમાં બીમારીના કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે રોજના ૧૦૦૦ થી પણ વધુ બીમાર દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે.
દર વર્ષે ઉત્તર ગુજરાતમાં નલિયા બાદ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં સૌથી વધુ ઠંડી પડે છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ઠંડીએ લોકોને ઘરમાં રહેવા મજબૂર કર્યા છે. જિલ્લામાં ઠંડી સાથે ફૂંકાતા પવનના કારણે રોડ રસ્તા અને જાહેર માર્ગો ઠપ થઈ ગયા છે.
ડીસા સરકારી હોસ્પિટલમાં તાવ, શરદી,ખાંસી જેવી બીમારીઓના રોજ લગભગ ૧૦૦૦ થી પણ વધુ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. બાળ નિષ્ણાત ડો.હિરેન પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલમાં ઠંડીનું જોર વધ્યું છે. રાત્રે કડકડતી ઠંડી પડવાથી લોકોમાં શરદી, ખાંસી, તાવ અને ફલ્યું જેવી બીમારીઓ થઈ રહી છે. લોકોમાં આ કેસો વધતા મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા હોસ્પિટલમાં આવી રહ્યા છે.