કોવિડના નવા વેરિયન્ટ જેએન.૧ નું સંક્રમણ વધ્યું

આ મહિને ૧૭ દર્દીઓમાં આ નવો વેરિયન્ટ જેએન.૧ જોવા મળ્યો, કોરોના ૧૧ રાજ્યોમાં ફેલાયો, જીનોમ સિક્વન્સિંગ પર ભાર.

દેશમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે અને કોરોના સંક્રમિત દર્દીઓમાં નવો વેરિયન્ટ જેએન.૧ જોવા મળી રહ્યો છે અને તેનો ફેલાવો ઝડપથી વધી રહ્યો છે. ગયા અઠવાડિયામાં જીનોમ સિક્વન્સિંગ માટે આવેલા દર્દીઓના સેમ્પલમાં આ નવો વેરિયન્ટ જોવા મળ્યો છે, જે ૪૦ થી વધુ દેશોમાં સંક્રમણ વધારી રહ્યું છે. દેશના ૧૧ રાજ્યોમાં કોરોનાના કેસો સામે આવ્યા છે.

સંક્રમિત દર્દીઓમાં આ નવો વેરિયન્ટ જેએન.૧ જોવા મળ્યો

દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કોવિડના ૩૨૮ નવા કેસ નોંધાયા છે અને એક વ્યક્તિની મોત થઈ છે જ્યારે સક્રિય કેસની સંખ્યા વધીને ૨૯૯૭ થઈ ગઈ છે. નવા વેરિયન્ટના કુલ કેસ ૨૧ છે. છેલ્લા પાંચ અઠવાડિયાથી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં આ નવો વેરિયન્ટ જેએન.૧ જોવા મળ્યો છે અને તેમાં હવે ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. ભારત INSACOG એ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને સોંપેલી એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ગયા મહિને જીનોમ સિક્વન્સિંગ  દરમિયાન દેશના પહેલા ચાર જેએન.૧ સંક્રમણના કેસો સામે આવ્યા હતા પરંતુ આ મહિને ૧૭ દર્દીઓમાં આ નવો વેરિયન્ટ  JN.1 જોવા મળ્યો છે. કુલ આઠ સેમ્પલના જીનોમ સિક્વન્સિંગમાં તમામમાં આ નવો વેરિયન્ટ જોવા મળ્યો હતો જ્યારે આ પ્રથમ અઠવાડિયામાં જ ૨૦ થી ૫૦ % સેમ્પલમાં જોવા મળ્યો છે.

રાજ્યોમાં સંક્રમણ પહોચ્યું

INSACOGએ સિવાય રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC)એ પણ સ્વાસ્થ્ય મંત્રાલયને રિપોર્ટ સોંપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જેએન.૧નું સંક્રમણ દેશના ૧૧ રાજ્યો સુધી પહોંચી ગયું છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા, પુડુચેરી, ગુજરાત, તેલંગાણા, પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે, જેના સેમ્પલની જીનોમ સિક્વન્સિંગની રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

ગઈકાલે ૩૫૮ લોકો સંક્રમિત મળ્યા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગઈકાલે જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમણથી કુલ ૬ લોકોના મોત થયા હતા જેમાં કેરળમાં ત્રણ, કર્ણાટકમાં બે અને પંજાબમાં એક દર્દીનો સમાવેશ થાય છે, આ ઉપરાંત ૩૫૮ લોકો કોરોના સંક્રમિત મળ્યા હતા જેના પગલે કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા ૨૩૦૫ થી વધીને ૨૬૬૯ પહોંચી ગઈ હતી. નિષ્ણાંતોએ આ મામલે ખુલાસો કર્યો હતો કે શિયાળાનું ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે જના કારણે સંક્રમણની ચપેટમાં ઝડપથી આવી જાય છીએ. આ વાત કોરોના અને શ્વસન સંક્રમણ બંનેમાં લાગુ પડે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા એ ક્હું હતું કે કોરોનાથી આપણે ગભરાવાની જરુર નથી ફક્ત સાવચેત રહેવાની જરુર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *