ગિફ્ટ સિટીમાં દારૂના સેવન અંગે અમદાવાદના યુવાઓનો અભિપ્રાય

ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે એફએલ ૩ પરવાના મેળવી શકશે.

‘આવી છૂટ ન હોવી જોઇએ’

ગુજરાત સરકારે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન એન્ડ ડાઇન’ સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. દારૂબંધીવાળા ગુજરાતમાં આવો નિર્ણય લેવાયા બાદ આ ચર્ચા ચારેકોર ચર્ચાઇ રહી છે. ત્યારે અમદાવાદના યુવાનોને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે મોટાભાગનાએ આ અંગે સ્પષ્ટ ના પાડી દીધી છે કે, આવી છૂટ ન હોવી જોઇએ.

યુવાનોનો એક જ અભિપ્રાય હતો કે, ગાંધીના ગુજરાતમાં આવી છૂટ ન હોવી જોઇએ. આવી છૂટ બાદ ત્યાં બેસીને કોણ કેટલું દારૂ પીએ છે તે કોને ખબર પડે. દારૂબંધી હોવાછતાં પણ જો લાખોના દારૂનો જથ્થો ઝડપાતો હોય તો જ્યારે છૂટ છે તો કઇ રીતે આ આખી પરિસ્થિતિને સાચવવી તે પણ જોવું પડશે.

દારૂ પી શકાશે ખરીદી નહીં શકાય!

ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે એફએલ3 પરવાના મેળવી શકશે. ગિફ્ટ સિટીમાં અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ્સ, ક્લબ કે રેસ્ટોરાંમાં લીકરનું સેવન કરી શકશે પરંતુ તેનું વેચાણ કરી શકશે નહીં.

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટની આ સમગ્ર પ્રક્રિયા નશાબંધી અને આબકારી વિભાગના નિયંત્રણ હેઠળ થશે. વધુમાં ગિફ્ટ સિટી વિસ્તારમાં દારૂની આયાત, સંગ્રહ અને લોકોને પીરસવામાં આવતા દારૂ પર દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી પણ નશાબંધી અને આબકારી વિભાગ કરશે.

સરકારે આપેલી માહિતી પ્રમાણે જાણીએ કે, ગિફ્ટ સિટીમાં દારૂના સેવનની મંજૂરી કોને કોને મળશે. ગિફ્ટ સિટીમાં કામ કરતા તમામ કર્મચારી અને માલિકોને લીકર એક્સેસ પરમિટ આપવામાં આવશે. જેના દ્વારા વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબમાં લીકરનું સેવન કરી શકાશે.

આ સિવાય કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટથી આવી હોટેલ્સ, રેસ્ટોરાં કે ક્લબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવાની જોગવાઈ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *