મધ્યપ્રદેશ કેબિનેટનું વિસ્તરણ

મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારનું વિસ્તરણ થયું હતું જેમાં ૨૮ મંત્રીઓએ શપથ લીધા હતા.

મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવના નેતૃત્વવાળી ભાજપ સરકારનું પહેલું કેબિનેટ વિસ્તરણ સોમવારે થયું હતું. આ અંતર્ગત ભાજપના કુલ ૨૮ નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા. પ્રધ્યુમનસિંહ તોમર, પ્રહલાદસિંહ પટેલ, કૈલાશ વિજયવર્ગીય, વિશ્વાસ સારંગ સહિત અઢાર નેતાઓને કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા. ૬ નેતાઓએ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને ૪ નેતાઓએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રવિવારે મુખ્યમંત્રી મોહન યાદવ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને પછી રાજ્યપાલ મંગુભાઇ પટેલ પટેલ સાથે મુલાકાત કરી અને મંત્રીઓની યાદી સોંપી હતી. રાજ્યપાલ પટેલે બપોરે ૦૩:૩૦ વાગ્યે રાજભવન ખાતે મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

૧૩ ડિસેમ્બરે ફક્ત સીએમ અને બે ડેપ્યુટી સીએમે લીધા હતા શપથ 

૧૩ ડિસેમ્બરના રોજ ભાજપના નેતૃત્વવાળી રાજ્ય સરકારની રચના ત્યારે થઈ જ્યારે મુખ્યમંત્રી મોહન યાદવ અને બે ઉપમુખ્યમંત્રી જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શપથ લીધા. વિધાનસભાની ચૂંટણીમાં ૧૬૩ બેઠકો પર ભવ્ય વિજય મેળવીને ભાજપ ફરી સત્તા પર આવ્યો હતો જ્યારે કોંગ્રેસને માત્ર ૬૬ બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *