આજનો ઇતિહાસ ૨૬ ડિસેમ્બર

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનું શીખ ધર્મમાં ઘણુ વિશેષ મહત્વ છે. ઉપરાંત આજે ગુજરાતી સાહિત્યકાર તારક મહેતાનો જન્મ દિન પણ છે.

ભારતમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી 

૨૬ ડિસેમ્બરના રોજ ભારતમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૨ થી ભારતમાં ૨૬ ડિસેમ્બરના રોજ ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવાની શરૂઆત કરી છે. શીખ ધર્મના છેલ્લા અને ૧૦ માં ગુરુ ગુરુ ગોવિંદ સિહંના ચાર પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલી આપવા માટે ૨૬ ડિસેમ્બર ભારતમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

વર્ષ ૧૭૦૪ નો ડિસેમ્બરનો મહિના હતો. ૨૦ ડિસેમ્બરે કડકડતી ઠંડીમાં મુઘલ સેનાએ આનંદપુર સાહિબ કિલ્લા પર અચાનક હુમલો કર્યો. ગુરુ ગોવિંદ સિંહ તેમને પાઠ ભણાવવા માંગતા હતા, પરંતુ તેમના સૈન્યદળે સમયની નાંડ પારખીને તે સ્થળ છોડી દેવાનું યોગ્ય માન્યું. ગુરુ ગોવિંદ સિંહે સમગ્ર પરિવાર સાથે આનંદપુર કિલ્લો છોડી દીધો. સરસા નદીમાં પાણીનું વહેણ વધારે હોવાથી ગુરુ ગોવિંદ સિંહનો પરિવાર નદી પાર કરતી વખતે અલગ થઈ ગયો. ગુરુ ગોવિંદની સાથે, તેમના બે મોટા રાજકુમાર – બાબા અજીત સિંહ અને બાબા જુઝાર સિંહ ચમકૌર પહોંચ્યા. જ્યારે ત્યાં, તેમની માતા ગુજરી બે નાના પૌત્રો- બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહ સાથે રહી ગયા. તેમની સાથે ગુરુ સાહેબના સેવક ગંગુ પણ હતા.

ગંગુ માતા ગુજરીને તેના બે પૌત્રો સાથે તેના ઘરે લાવ્યો. એવું કહેવાય છે કે માતા ગુજરી પાસે સોનાના સિક્કા જોઈને ગંગુના મનમાં લાલચ જાગી અને ઈનામ મેળવવાની લાલસામાં તેણે કોટવાલને માતા ગુજરી વિશે જાણ કરી. માતા ગુજરીની તેમના બે નાના પૌત્રો સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેને સરહંદના નવાબ વઝીર ખાન સમક્ષ રજૂ કરવામાં આવ્યા.

વઝીરે બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહને ઈસ્લામ સ્વીકારવા જણાવ્યું જો કે બંને રાજકુમારોએ ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કર્યો. આથી નવાબે ૨૬ ડિસેમ્બર, ૧૭૦૪ ના રોજ બંને રાજકુમારોને દિવાલમાં જીવતા ચણી દીધા, જ્યારે માતા ગુજરીને સરહિંદના કિલ્લામાંથી ધક્કો દઇને મારી નાખવામાં આવ્યા હતા. ગુરુ ગોવિંદ સિંહના પરિવારની આ મહાન શહાદતને આજે પણ ઈતિહાસની તવારીખોમાં સૌથી મોટા બલિદાન માનવામાં આવે છે.

૨૬ ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

1748 – ફ્રાન્સ અને ઑસ્ટ્રિયાની વચ્ચે દક્ષિણ હોલેન્ડ અંગે કરાર પર હસ્તાક્ષર થયા.
1904 – દિલ્હી અને મુંબઈ વચ્ચે દેશની પ્રથમ ક્રોસ કન્ટ્રી મોટરકાર રેલીનું ઉદ્ઘાટન.
1925 – તુર્કીમાં ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવવામાં આવ્યું. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના.
1977 – સોવિયેત સંઘે પૂર્વ કઝાક ક્ષેત્રમાં પરમાણુ પરીક્ષણ કર્યું.
1978-ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
1997 – ઓડિશાની મુખ્ય પાર્ટી બીજુ જનતા દળ (બીજેડી)ની સ્થાપના પીઢ રાજકારણી બીજુ પટનાયકના પુત્ર નવીન પટનાયકે કરી હતી.
2002 – યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં સંઘર્ષ ફરી શરૂ થયાની જાણ કરી.
2003- ઈરાનના દક્ષિણપૂર્વીય શહેર બામમાં 6.6ની તીવ્રતાવાળા ભૂકંપે ભારે તબાહી સર્જી હતી.
2004 – શ્રીલંકા, ભારત, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, મલેશિયા, માલદીવ અને આસપાસના વિસ્તારોમાં 9.3 તીવ્રતાવાળા ભૂકંપ અને ત્યારબાદ આવેલી સુનામીના કારણે ભારે તબાહી, બે લાખ ત્રીસ હજાર લોકો મૃત્યુ પામ્યા હતા.
2006 – શેન વોર્ને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો.
2007 – તુર્ક વિમાનોએ ઇરાકી કુર્દિશ ઠેકાણા પર હુમલો કર્યો.
2012 – ચીનની રાજધાની બેઇજિંગથી ગુઆંગઝુ શહેર સુધી બનેલો વિશ્વનો સૌથી લાંબો હાઇ-સ્પીડ રેલમાર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *