દારૂ મુક્તિ મળતા જ ગિફ્ટ સિટી ક્લબમાં ૪૮ કલાકમાં ૧૦૭ નવા મેમ્બર નોંધાયાં, દારૂ પીવાની મંજૂરી બાદ ગિફ્ટસિટી કલબની ડિમાન્ડ વધી, દારૂની મંજૂરી બાદ ગિફ્ટ સિટી કલબની મેમ્બરશીપ મેળવવા ઇન્કવાયરી થઇ રહી છે.
ગુજરાત રાજ્ય સરકારે ગિફ્ટસિટીમાં દારૂ પીવાની મંજૂરી આપી છે.આ જાહેરાતના પગલે ગિફ્ટ સિટી કલબની ડિમાન્ડ વધી છે. ગિફ્ટ સિટી કલબની મેમ્બરશીપ લેવા માટે ઇન્કવાયકરી વધી ગઇ છે. જાણીને નવાઇ લાગે તેવી વાત એ છે કે, ગુજરાત સરકારની જાહેરાત બાદ માત્ર 48 કલાકમાં જ ૧૦૭ લોકોએ ગિફ્ટ સિટી કલબની મેમ્બરશીપ મેળવી છે. એવુ જાણવા મળ્યુ છેકે, ડિમાન્ડને પગલે ગિફ્ટ સિટી કલબની મેમ્બરશીપનો ભાવ પણ વધી શકે તેવી શક્યતા છે.
ગિફ્ટસિટી કલબે મેમ્બરશીપમાં રૂા.૭.૪૯ કરોડની કમાણી કરી, ઇન્કવાયરી પણ વધી, મેમ્બર્સની સંખ્યા ૨,૩૦૦ એ પહોંચી
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી બાદ રિયાલિટી સેક્ટરમાં ય જાણે તેજી આવી છે. ગિફ્ટ સિટીની આસપાસની જમીનનીય ડિમાન્ડ વધી છે. સૂત્રોના મતે, દારૂની મંજૂરી બાદ ગિફ્ટ સિટી કલબની મેમ્બરશીપ મેળવવા ઇન્કવાયરી થઇ રહી છે. ગિફ્ટ સિટી કલબમાં ફોન કોલ્સ કરીને શું શું સુવિધા મળશે તેની માહિતી મેળવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છેકે,હાલ ગિફ્ટ સિટી કલબમાં મેમ્બરશીપનો ભાવ રૂા.૭ લાખ છે. ગુજરાત સરકારે દારૂ પીવાની છૂટ આપતા ગિફ્ટસિટી કલબ પર લોકોની નજર મંડાઇ છે. માત્ર ૪૮ કલાકમાં જ ૧૦૭ લોકોએ ગિફ્ટ સિટીમાં મેમ્બરશીપ મેળવી લીધી છે. ગિફ્ટ સિટી કલબે તો મેમ્બરશીપમાં જ રૂા.૭.૪૯ કરોડની કમાણી કરી લીધી છે. અત્યાર સુધીમાં ગિફ્ટ સિટી કલબમાં મેમ્બર્સની સંખ્યા વધીને ૨,૩૦૦ સુધી પહોંચી ગઇ છે. ગિફ્ટ સિટી કલબના સૂત્રોનુ કહેવુ છેકે, ચાર હજાર મેમ્બર્સનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જે રીતે મેમ્બરશીપ મેળવવા ઇન્કવાયરી થઇ રહી છે તે જોતાં ગિફ્ટ સિટી કલબના સંચાલકોને આશા છેકે, મેમ્બર્સનો લક્ષ્યાંક પૂર્ણ થશે. તેમાં ય થર્ટી ફર્સ્ટને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એકાદ બે દિવસમાં રાજ્ય સરકાર ગિફ્ટસિટીમાં દારૂ પીવાના નિયમો સાથે પરિપત્ર જાહેર કરે તેમ છે. આ જોતાં ઘણાંએ ગિફ્ટ સિટી કલબમાં જ થર્ટી ફર્સ્ટ ઉજવવા મન બનાવ્યુ છે.
ડિમાન્ડને પગલે ગિફ્ટ સિટી કલબ પણ તકનો લાભ મેળવીને મેમ્બરશીપનો ભાવ વધારવાના મતમાં છે. આમ, ગિફ્ટ સિટી કલબને દારૂ મુક્તિ ફળી છે. વર્ષના અંતિમ દિવસ સુધીમાં તો મેમ્બરશીપનો આંકડો હજુ વધી શકે છે તેવી કલબના સંચાલકોને આશા છે.