ભારતે પાકિસ્તાન પાસે હાફિઝ સઈદના પ્રત્યાર્પણની કરી માંગ

ભારતે પાકિસ્તાન પાસે લશ્કરે એ તૈયબા આતંકવાદી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માંગ કરી છે, તમને જણાવી દઈએ કે, તેની પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં ભાગ લેશે.

મુંબઈમાં ૨૬/૧૧ ના હુમલાના માસ્ટર માઈન્ડ અને લશ્કર-એ-તૈયબાના નેતા આતંકવાદી હાફિઝ સઈદને ભારત લાવવાની વાતો ચાલી રહી છે. પાકિસ્તાની મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતે પાકિસ્તાન સરકાર પાસે આતંકવાદી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની સત્તાવાર માંગ કરી છે. જો કે ભારત સરકાર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

અહેવાલો અનુસાર, ભારત સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને હાફિઝ સઈદને ભારતને પ્રત્યાર્પણ કરવા માટે કાનૂની કાર્યવાહી શરૂ કરવાની અપીલ કરી છે. જો કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે હજુ સુધી આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી.

હાફિઝ સઈદ પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ છે

ઉલ્લેખનીય છે કે, હાફિઝ ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ છે. હાફિઝ સઈદ ૨૦૦૮ ના મુંબઈ આતંકવાદી હુમલા અને પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ છે. તે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સ્થાપક છે અને હાફિઝ સઈદ જમ્મુ-કાશ્મીરમાં અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ છે. અમેરિકાએ પણ હાફિઝ સઈદને આતંકવાદી જાહેર કર્યો છે અને તેના પર ૧૦ મિલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું છે.

હાફિઝની ૨૦૧૯ માં પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી

થોડા વર્ષો પહેલા સુધી હાફિઝ સઈદ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરતો હતો અને પોતાના સંગઠન માટે દાન એકત્રિત કરતો હતો. આંતરરાષ્ટ્રીય દબાણમાં વધારો થયા પછી, તેની ૨૦૧૯ માં પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી અને આતંકવાદને નાણાં પૂરા પાડવાના આરોપમાં ૧૫ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ગત વર્ષે પણ પાકિસ્તાની કોર્ટે હાફિઝ સઈદને આતંકવાદી ઘટનાઓ માટે પૈસા એકઠા કરવાના આરોપમાં ૩૧ વર્ષની જેલની સજા ફટકારી હતી.

હાફિઝ સઈદ ભલે જેલમાં હોય, પરંતુ તેની પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી રહી છે. હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સઈદ પણ લાહોર બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર છે.

હાફિઝ સઈદને ભારત કેવી રીતે લાવી શકાય?

હાફિઝ સઈદને ભારત લાવવાનો રસ્તો આસાન નથી પરંતુ, જો બંને દેશોની સરકારો વચ્ચે સહમતિ બને તો તેને ભારત લાવી શકાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પ્રત્યાર્પણ સંધિ નથી અને તેથી આ પ્રક્રિયાને આગળ વધારવી મુશ્કેલ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *